Connect Gujarat
દુનિયા

વિલિયમ શેક્સપિઅરની 400મી પુણ્યતિથિ

વિલિયમ શેક્સપિઅરની 400મી પુણ્યતિથિ
X

મહાન કવિ,લેખક,નાટ્યકાર વિલિયમ શેક્સપિયરનું 23મી એપ્રિલ 1616માં નિધન થયું હતું. તેમની ઘણી રચનાઓ આજે પણ એટલી જ લોકપ્રિય છે જેટલી તે સમયે હતી.તેમને બ્રિટનના રાષ્ટ્ર કવિ તરીકે પણ ઓળખવામાં આવે છે.પોતાની ઉત્કૃષ્ટ રચનાઓના કારણે ઇતિહાસમાં અમર થઇ ગયેલા વિલિયમ શેક્સપિઅરની કેટલીક કથાઓ પરથી બોલિવૂડમાં પણ ફિલ્મો બનાવવામાં આવી છે. મેકબેથ, ઓથેલો, રોમિયો એન્ડ જુલિયટ તેમજ હેમલેટ જેવી ઉત્કૃષ્ટ રચનાઓ પરથી બોલિવૂડ ફિલ્મો બની છે.

  • ‘ધ ટ્રેજેડી ઓફ મેકબેથ’

maqbool

1611માં લખાયેલા આ ટ્રેજેડી નાટક પરથી બોલિવૂડમાં ‘મકબૂલ’ નામની ફિલ્મ બનાવવામાં આવી હતી. જે 2003માં રિલીઝ થઇ હતી. આ ફિલ્મમાં પંકજ કપૂર, ઇરફાન ખાન, તબુ, નસરુદ્દીન શાહ, ઓમ પુરી અને પિયુષ મિશ્રા જેવા પ્રથમ શ્રેણીના કલાકારોએ કામ કર્યું હતું. વિશાલ ભારદ્વાજની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર તો ખાસ કંઇ ચાલી નહોતી. પરંતુ હિન્દી સિનેમામાં અભિનય તેમજ ડિરેક્શનની દ્રષ્ટિએ આ ફિલ્મ એક સીમા ચિહ્ન સાબિત થઇ છે. જે વિવેચકો દ્વારા ખૂબ જ વખાણાઇ હતી.

  • ‘ધ ટ્રેજેડી ઓફ ઓથેલો’

omkara4-1

ઓથેલો પણ એક ટ્રેજેડી નાટક હતું જે 1603માં લખાયું હતું. વિશાલ ભારદ્વાજે ફરી શેક્સપિઅરની આ સુંદર રચના પર આધારિત ફિલ્મ ‘ઓમકારા’ બનાવી હતી. જેમાં અજય દેવગન, કરીના કપૂર, કોંકણા સેન, સૈફ અલી ખાન, વિવેક ઓબેરોય, બિપાશા બાસુ અને નસરુદ્દીન શાહ જેવા સ્ટાર કલાકારોએ કામ કર્યું હતું. 2006માં રિલીઝ થયેલી આ ફિલ્મે બોક્સ ઓફિસમાં સારી કમાણી કરી હતી. ફિલ્મને ત્રણ નેશનલ એવોર્ડ પણ મળ્યા હતા. તેમજ ‘મકબૂલ’ની જેમ આ ફિલ્મના પણ વિવેચકોએ ભરપૂર વખાણ કર્યા હતા.

  • ‘ધ કોમેડી ઓફ એરર્સ’

angoor

શેક્સપિઅરના કોમેડી નાટક ‘કોમેડી ઓફ એરર્સ’ પરથી 2 બોલિવૂડ ફિલ્મો બનાવવામાં આવી છે. જેમાં ‘દો દૂની ચાર’ (1968) જેમાં કિશોર કુમાર અને અસિત સેને ભૂમિકા ભજવી હતી; ‘અંગુર’ (1982) જેમાં સંજીવ કુમાર અને દેવેન વર્મા મુખ્ય ભૂમિકામાં હતા. આ સિવાય ‘કોમેડી ઓફ એરર્સ’ પરથી અન્ય 4 પ્રાદેશિક ભાષાઓની ફિલ્મો બનાવવામાં આવી હતી.

‘રોમિઓ એન્ડ જુલિયટ’

qayamat-se-qayamat-tak-movie-video-songs-download1

પ્રેમકથા પર આધારિત ટ્રેજેડી નાટક ‘રોમિઓ એન્ડ જુલિયટ’ 1597માં લખાયું હોવાનું માનવામાં આવે છે. આ પ્રેમકથાની રચના થી પ્રેરિત થઇને અત્યાર સુધી બોલિવૂડમાં ઘણી ફિલ્મો બની ચૂકી છે. જેમાં 1973માં ડિમ્પલ કાપડિયા અને ઋષિ કપૂરની ચમકાવતી રાજકપૂરની ‘બોબી’, કમલ હસન અને રતિ અગ્નિહોત્રીની 1981માં આવેલી ફિલ્મ ‘એક દૂજે કે લિયે’, કમલ હસન અને રીના રોયની 1982માં આવેલી ફિલ્મ ‘સનમ તેરી કસમ’, 1988માં બનેલી ફિલ્મ‘કયામત સે કયામત તક’ જેમાં આમિર ખાન અને જુહી ચાવલા મુખ્ય ભૂમિકામાં હતા, મનિષા કોઇરાલા અને વિવેક મુશરાનની ‘સૌદાગર’ જે 1991માં રિલીઝ થઇ હતી, પરિણીતી ચોપરા અને અર્જુન કપૂરની 2013માં આવેલી ફિલ્મ ‘ઇશકઝાદે’ અને દીપિકા પાદુકોણ તેમજ રણવીર સિંહની 2013માં આવેલી ફિલ્મ‘ગોલિયો કી રાસલીલાઃ રામ-લીલા’ વગેરેનો સમાવેશ થાય છે. આ બધી જ ફિલ્મો બોક્સ ઓફિસ પર હીટ થઇ છે.

‘ધ ટ્રેજેડી ઓફ હેમલેટ, પ્રિન્સ ઓફ ડેનમાર્ક’

haider-movie-hd-wallpaper

શેક્સપિઅરનું આ ટ્રેજેડી નાટક 1603માં લખાયુ હોવાનું મનાય છે. જેના પર આધારિત બોલિવૂડમાં ‘હૈદર’ બનાવવામાં આવી. આ ફિલ્મ પણ વિશાલ ભારદ્વાજે બનાવી છે. આમ, વિશાલ ભારદ્વાજે શેક્સપિઅરની રચનાઓ પર આધારિત કુલ ત્રણ બોલીવૂડ ફિલ્મો બનાવી છે. વિશાલની અગાઉની 2 ફિલ્મોની જેમ ‘હૈદર’પણ મલ્ટી સ્ટારર ફિલ્મ છે. જેમાં તબુ, કે.કે.મેનન, શાહીદ કપૂર, શ્રદ્ધા કપૂર જેવા કલાકારોએ કામ કર્યું હતું. 2014માં રિલીઝ થયેલી આ ફિલ્મ પણ હીટ સાબિત થઇ હતી.

Next Story