Connect Gujarat
બ્લોગ

મૈ ઔર મેરી બહન

મૈ ઔર મેરી બહન
X

મારે અને બહેન વચ્ચે સિબલિંગ રાયવલરી. હું બે વર્ષ એનાથી મોટો. એની જીભ ચાલે, મારો હાથ. એને બે ચમચી વધારે ખીચડી આપી હોય તો બા મને બે ચમચી વધારે ખીચડી ખવડાવ્યા વગર ઉઠવા ન દે. પછી, ભલે ! મને ભૂખ ન હોય !

અમે બન્ને ભણવામાં પહેલો નંબર લાવીયે. મને બરાબર યાદ છે, હું ધોરણ છઠ્ઠામાં હતો. મારો વર્ગમાં પહેલો નંબર આવ્યો. મને પ્રોત્સાહન ઇનામમાં સ્ટીલનો વાડકો મળ્યો, ત્યારે એણે વાટકો આપતા કહેલું, ‘લે ! આ તારો વાટકો’. અમારા ઘરમાં સ્ટીલનું વાસણ પહેલીવાર ત્યારે આવેલું.

આજે તર્જનીનો બાપ છું, એટલે સમજાય છે, એની પાછળ કયો ગર્ભિત ઈશારો હતો. હું સાતમાં ધોરણમાં આવ્યો. એ પાંચમાં ધોરણમાં આવી. અમે બન્નેએ પ્રણ લીધું નોનવેજ નહિ ખાયએ.જમવાનું છોડી દીધું. ત્રણ ટંક ના ખાધું. આખરે ! મા-બાપે અમારા સત્યાગ્રહને સ્વીકાર્યો.

વર્ષ ૧૯૭૫ ગામની પંચાયતે વકૃત્વસ્પર્ધાનું આયોજન કર્યું. દયાનંદ કન્યામંદિરમાંથી મારી બહેન અને ગુરુકુલ, વિદ્યાલયમાંથી મેં સ્પર્ધામાં ભાગ લીધો. યુધ્ધમાં રણશીંગુ ફૂંકાય, શંખનાદ થાય અને યુધ્ધનો આદેશ મળતા તૂટી પડો સાથે સૈન્ય પ્રચંડ જયઘોષ સાથે યુધ્ધે ચઢે. અમારી પૂર્વ તૈયારી તનતોડ. મારો સ્પર્ધામાં બોલવામાં આગળ ક્રમ હતો. નામ બોલાયું. હું બોલ્યો, સારું બોલ્યો. પણ ! એક ક્ષણ માટે અટકી ગયો,ભૂલ પડી. એ બોલી ! સડસડાટ પરિણામ જાહેર થયું. એનો પહેલો નંબર આવ્યો. ઇનામમાં સ્ટીલનો પ્યાલો મળ્યો. મારો બીજો નંબર આવ્યો, મને તાજમહાલના ચિત્રવાળી ટ્રે મળી.

મેં વિચાર્યું કે બહેનને વારંવાર સળી કરવાની સજા ભગવાને મને આપી. સ્પર્ધાના સ્થળેથી ઘરે પાછા ફરતા મેં બહેનને કહ્યું, “લે ! તારો પ્યાલો રાખવા ટ્રે તો મારી જ રાખવી પડશે. ધોરણ ૧૦ માં સાત માર્ક્સ ઓછા આવતા એનું ડોક્ટર બનવાનું સપનું સાકાર ન થયું. મને ધો.૧૨ પછી મેડીકલમાં પ્રવેશ મળ્યો. એણે વડોદરામાં આર્કિટેક્ટમાં પ્રવેશ લીધો. સાંજ પડે એ મારી પાસે આવે. ‘ભાઈ, વડલો દોરી દે ને.’

મારું ડ્રોઈંગ સારું એને ફૂટપટ્ટી હોય તેમ છતાં સીધી લીટી દોરવામાં ફાંફાં પડે. આવું સતત 20 દિવસ ચાલ્યું. એકવીસમાં દિવસે મેં કહ્યું આમ રોજ ચાલશે, તો તું આર્કિટેક્ટ નહિ બને અને હું ડોક્ટર નહિ. બીજી લાઈન પસંદ કરી લે. એણે બી.ફાર્મ.માં પ્રવેશ મેળવ્યો. બે વર્ષ નોકરી કરી અને ગુજરાતી વિષય સાથે આગળ ભણવાનું નક્કી કર્યું કારણ ગર્લ્સ હોસ્ટેલમાં રહેવા મળે.

મોટા નાનાને પા પા પગલી કરતા શીખવે. અમારે ત્યાં ઉલટું થયું. એણે આ ફિલ્ડમાં મને પા પા પગલી કરતા શીખવ્યું. એણે જેટલું વાચ્યું છે એનાથી દસમાં ભાગનું પણ મેં વાચ્યું નથી. એ મારી બહેનથી વિશેષ ફ્રેન્ડ, ફિલોસોફર, ગાઈડ છે, આજીવન રહેશે.

પુસ્તક : ‘સુકાતો વડ’ અને ‘જેણે લાહૌર નથી જોયું એ જન્મ્યો જ નથી’

આ બન્ને પુસ્તકોના અનુવાદક : શરીફા વીજળીવાળાએ શનિવાર, તા.૨૦ મી મે, ૨૦૧૭ વનિતા વિશ્રામ, સુરત કાર્યક્રમમાં ડૉ.આઈ.કે. વીજળીવાળાએ કરેલા હૃદયસ્પર્શી વક્તવ્યના અંશો...

Next Story