Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરઃ રેલવે લાઈન ઉપરથી સિગ્નલ વાયરની ચોરી કરતા બે શખ્સો ઝડપાયા

અંકલેશ્વરઃ રેલવે લાઈન ઉપરથી સિગ્નલ વાયરની ચોરી કરતા બે શખ્સો ઝડપાયા
X

રેલવે પોલીસે બે શખ્સો પાસેથી 30 મીટરનો કેબલ અને ચોરી માટેના સાધનો કબજે કર્યા

પશ્ચિમ રેલવેનાં કોસાડથી ઉતરાણ સ્ટેશન વચ્ચે સિગ્નલ વાયરની ચોરી થતી હોવાની રેલવે પોલીસને બાતમી મળી હતી. જેના આધારે અંકલેશ્વરનાં તપાસ અધિકારી અને તેમની ટીમ દ્વારા સ્થળ તપાસ કરતાં રાત્રિનાં સમયે ચોરી કરવા આવેલા બે શખ્સો ઝડપાયા હતા. તેમની પાસેથી 30 મીટર કેબલ જેની કિંમત રૂપિયા 5000નો મુદ્દામાલ કબજે કર્યો છે. અને ભૂતકાળમાં થયેલી ચોરીઓમાં તેમનો કોઈ રોલ છે કે કેમ તે સંદર્ભે આગળની તપાસ હાથ ધરી છે.

અંકલેશ્વરથી સુરત વચ્ચે આવેલી પશ્ચિમ રેલવેની હદમાં છેલ્લાં કેટલાંક સમયથી સિગ્નલનાં કેબલની ચોરી થઈ રહી હતી. જે સંદર્ભેની તપાસ અંકલેશ્વર રેલવે પોલીસને સોંપવામાં આવી હતી. દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, કોસાડ અને ઉતરાણ રેલવે સ્ટેશનની વચ્ચે ઝાડીવાળા વિસ્તારમાં આ ચોરીને અંજામ આપવામાં આવી રહ્યો છે. જેથી તાત્કાલિક રેલવે પોલીસે સ્થળ ઉપર દોડી જઈને તપાસ કરતાં ઝાડીઓમાં સંતાયેલા બે શખ્સો ભાગવા જતાં પોલીસનાં હાથે ઝડપાઈ ગયા હતા. તેમની પાસેથી કોથળીમાં સંતાડેલો ચોરીનો સિગ્નલ કેબલ 30 મીટર જેની કિંમત રૂપિયા 5000 નો કબજે કરવામાં આવ્યો હતો. આ બન્ને શખ્સોની પૂછપરછ કરતાં કોસાડના રહેવાસી રાકેશ સુભાષ હળપતિ અને સંજય હરિભાઈ ચૌહાણ હોવાનું જણાવ્યું હતું. તેમની પાસેથી ચોરી કરવાનાં સાધનો પૈકી હેક્સો બ્લેડ, કટર અને સ્ટમ્પ સહિતની વસ્તુઓ પણ મળી આવી હતી. રેલવે પોલીસે તેમની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story
Share it