Top
Connect Gujarat

અંકલેશ્વરમાં ભગવાન શ્રી કૃષ્ણનાં જન્મોત્સવની સમાજની એકતા અખંડતા સાથે દબદબાભેર ઉજવણી

અંકલેશ્વરમાં ભગવાન શ્રી કૃષ્ણનાં જન્મોત્સવની સમાજની એકતા અખંડતા સાથે દબદબાભેર ઉજવણી
X

અંકલેશ્વરમાં ભગવાન શ્રી કૃષ્ણનાં જન્મદિન પ્રસંગે સમગ્ર જીઆઇડીસી વિસ્તાર ભક્તિના સાગરમાં તરબોળ થઇ ગયો હતો. શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ સાથે 50 થી વધુ જેટલી ધાર્મિક તેમજ સામાજિક સંસ્થાઓ જોડાઈને ભવ્ય ધર્મ યાત્રાની સાથે ગરબા તેમજ મટકી ફોડ સહિતનાં વિવિધ ધાર્મિક કૃતિઓના દર્શન સાથે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી.

અંકલેશ્વર જીઆઇડીસી ખાતેના શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા પાંચમાં વર્ષે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી માટેનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતુ.વિવિધ સમાજ અને ધાર્મિક તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ ભગવાન શ્રી કૃષ્ણની ધર્મ યાત્રામાં જોડાઈને સમગ્ર વિસ્તારને ભક્તિરસમાં ઝબોળી દીધો હતો.

ગુજરાતી,દક્ષિણ ભારતીય સહિતનાં સમાજનાં કૃષ્ણ પ્રેમી શ્રદ્ધાળુઓએ પોતાની વેશભૂષા ધારણ કરીને ધર્મયાત્રામાં એકતા અખંડતાનાં દર્શન કરાવ્યા હતા. આ યાત્રા સરદાર પટેલ ભવન થી શરુ થઇને જીઆઇડીસીનાં વિવિધ વિસ્તારમાં ફરીને નવજીવન ગરબા ગ્રાઉન્ડ ખાતે પહોંચી હતી. નવદુર્ગા ગ્રાઉન્ડ ખાતે મટકી ફોડી જન્માષ્ટમી ઉત્સવની ધર્મભીની ઉજવણી કરવામાં આવી હતી, અને કૃષ્ણ ભક્તોએ પણ સમગ્ર ધર્મરસ થી તરબોળ ભવ્ય જન્માષ્ટમી ઉત્સવને માનીને ધન્યતાનો અહેસાસ કર્યો હતો.

રાષ્ટ્રીય પર્વ અને જન્માષ્ટમી પર્વનો સંગમ થતા કૃષ્ણ જન્મોત્સવમાં દેશભક્તિનો રંગ પણ જોવા મળ્યો હતો, અને ભારત માતાનાં શહીદ જવાનોનાં પરિવારનાં લાભાર્થે પણ એક રથમાં ટેબ્લો તૈયાર કરવામાં આવ્યો હતો જે રથ પણ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

Next Story
Share it