Top
Connect Gujarat

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની ફિકોમ ચોકડી પર પ્રદુષિત પાણી ઉભરાતા ઉદ્યોગ આલમમાં રોષ

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની ફિકોમ ચોકડી પર પ્રદુષિત પાણી ઉભરાતા ઉદ્યોગ આલમમાં રોષ
X

જીપીસીબીનું સૂચક મૌન

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની ફીકોમ ચોકડી પાસે ડ્રેનેજ માંથી અત્યંત પ્રદુષિત પાણી ઉભરાતું હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી અને ઉદ્યોગ મંડળનાં દ્વારા આ અંગે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ નિગમને જાણ કરવામાં આવ્યા બાદ પણ જીપીસીબીએ કાર્યવાહીમાં ઢીલાશ રાખી હોવાની ફરિયાદો પણ ઉઠવા પામી છે.

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત પ્રદુષણનાં મુદ્દે વારંવાર બદનામ થઇ રહી છે. સ્થાનિક ઉદ્યોગ મંડળની સતર્કતા બાદ પણ બેજવાબદાર ઉદ્યોગો દ્વારા બેફામ બની જઈને પ્રદુષણ ઓકવામાં આવી રહ્યું છે. જોકે જીપીસીબી દ્વારા પણ મોટા ઉદ્યોગો પ્રત્યે પોતાનું અને નાના ઉદ્યોગ એકમો પ્રત્યે ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું હોવાની ફરિયાદો પણ ઉદ્યોગ આલમમાં ઉઠવા પામી છે.

જીઆઇડીસીની ફીકોમ ચોકડી નજીક ડ્રેનેજની ચેમ્બર માંથી પ્રદુષિત પાણી ઉભરાય રહ્યુ હતુ, અને આ પાણી ખુલી ગટરમાં વહી રહયું હતુ. જાણવા મળ્યા મુજબ આ પાણી મધ્યરાત્રિ થી ઉભરાય રહ્યું હતુ. જે અંગે ઉદ્યોગ મંડળના એન્વાયરોમેન્ટ કમીટીનાં ચેરમેન રમેશ ગાબાણી, કન્વીનર હરેશ પટેલ સહિતનાં સભ્યોને જાણ થતા તેઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા.અને આ અંગે જીપીસીબીને જાણ કરી હતી.

જોકે જીપીસીબીએ પણ સમય અવધિ કરતા મોડા આવીને દેખાડા રૂપ કામગીરી શરુ કરી હતી, અને પ્રદુષિત પાણીનાં નમૂના લઈને તપાસ શરુ કરી હતી.ઉદ્યોગ મંડળનાં એન્વાયરોમેન્ટ કમિટીના ચેરમેન રમેશ ગાબાણીએ જણાવ્યું હતુ કે મધ્યરાત્રિ થી ઉભરાતી ગટર માટે જીપીસીબીનાં અધિકારીને ટેલિફોનિક જાણ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ તેઓએ ફોન રિસીવ ન કરતા ગાંધીનગર મેમ્બર સેક્રેટરીને જાણ કર્યા બાદ જીપીસબીની ટીમ સ્થળ તપાસ અર્થે આવી પહોંચી હતી.

વધુમાં તેઓએ જીપીસીબી દ્વારા માત્ર નાના ઉદ્યોગને જ હેરાન કરવામાં આવે છે જયારે લાર્જ સ્કેલનાં ઉદ્યોગો પ્રદુષણ ઓકતા હોવા છતાં પણ જીપીસીબી તેઓની સામે કોઈ કાર્યવાહી નથી કરી રહી જે બાબત પણ જીપીસીબીની કામગીરી પર પ્રશ્નો ઉઠાવી રહી છે.

જ્યારે ઉદ્યોગ મંડળનાં એન્વાયરોમેન્ટ કમીટીનાં કન્વીનર હરેશ પટેલે જણાવ્યું હતુ કે જે ડ્રેનેજની ચેમ્બર માંથી પ્રદુષિત પાણી ઉભરાય રહ્યું છે તેમાં પાંચ જેટલી મોટા કદની કંપનીઓની લાઈન છે, ત્યારે જીપીસીબી આ ઉદ્યોગો સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ તેઓએ કરી હતી.

જોકે સમગ્ર ઘટના દરમિયાન સ્થળ પર આવેલા જીપીસીબીનાં પ્રાદેશિક અધિકારી આર.બી.ત્રિવેદીએ મિડીયા આગળ આ અંગે કંઈ પણ કહેવાનું ટાળ્યું હતુ, અને સૂચક મૌન જાળવી રાખ્યુ હતુ.

Next Story
Share it