Top
Connect Gujarat

અંકલેશ્વર માંથી કેમીકલ વેસ્ટ નિકાલ કરવા જતા એકનું મોત, બે ગંભીર

અંકલેશ્વર માંથી કેમીકલ વેસ્ટ નિકાલ કરવા જતા એકનું મોત, બે ગંભીર
X

અંકલેશ્વર માંથી બેજવાબદાર ઉદ્યોગ દ્વારા કેમીકલ વેસ્ટનો નિકાલ કરવા માટે જોખમી ઔદ્યોગિક કચરો ડ્રમમાં ભરીને નવસારી ખાતે મોકલ્યો હતો, પરંતુ ત્યાં અચાનક એક ડ્રમ ફાટતા ટ્રક ચાલક સહિત ત્રણને ઝેરી ગેસની તીવ્ર અસર થઇ હતી, અને ટ્રક ચાલકનું મોત નિપજ્યું હતુ, જ્યારે બેને ગંભીર હાલતમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.

અંકલેશ્વરનાં કોઈક બે જવાબદાર ઉદ્યોગ દ્વારા પોતાનાં ગોડાઉન માંથી જોખમી કેમીકલ કચરાનો નિકાલ કરવા માટે ડ્રમમાં આ વેસ્ટ ભરીને ટ્રક મારફતે નવસારી ખાતે મોકલ્યો હતો.

નવસારીમાં વેસ્ટ લઈને પહોંચ્યા બાદ ટ્રક માંથી કેમીકલ વેસ્ટનાં ડ્રમ ઉતારવા જતા અચાનક એક ડ્રમ ફાટતા ઝેરી ગેસનું ગળતર થયુ હતુ, અને છોટુ અને સુખલાલ નામનાં બે વ્યક્તિઓને ગેસની અસર થઇ હતી, જોકે તેઓને મદદ માટે દોડેલા ટ્રક ચાલક ફૈઝાન ખાન ઉ.વ. આશરે 38 રહે ગ્રીન વેલી, કાપોદ્રા ગામ, અંકલેશ્વરના ઓ ને ઝેરી ગેસની તીવ્ર અસર થતા તેઓનું કરુણ મોત નિપજ્યું હતુ.

ઘટના બાદ ગભરાયેલા છોટુ અને સુખલાલ અન્યની મદદથી ફૈઝાન ખાનનો મૃતદેહ ગાડીમાં અંકલેશ્વર લઇ આવ્યા હતા, જોકે છોટુ અને સુખલાલને પણ ગેસની અસર થઈ હતી અને તેઓની તબિયત લથડતા સારવાર અર્થે અંકલેશ્વર શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર જીઆઇડીસીની સ્ટ્રાઈડ ઇન્ડસ્ટ્રીઝનાં ગોડાઉન માંથી કેમિકલ વેસ્ટ ભરીને નવસારી ખાતે નિકાલ કરવા માટે મોકલવામાં આવ્યો હોવાનું જાણકાર સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.જ્યારે આ ઘટના સંદર્ભે નવસારી પોલીસ દ્વારા ફરિયાદ દર્જ કરવાની તજવીજ હાથધરી છે.

આ અંગે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડનાં સભ્ય સચિવ કે.સી. મિસ્ત્રીએ કનેક્ટ ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે ઘટના અંગે અંકલેશ્વર જીપીસીબીનાં પ્રાદેશિક અધિકારી આર.બી. ત્રિવેદીને તપાસ સોંપવામાં આવી છે. અને તપાસ બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

નોંધવું ઘટે કે કેમીકલ માફિયાઓ અને ભંગારીયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે કેમીકલ વેસ્ટ નિકાલ કરવાનું જ આ એક કૌભાંડ હોવાનું પણ સૂત્રો કહી રહ્યા છે.

Next Story
Share it