અંકલેશ્વરના પંચાટી બજાર સ્થિત રાધાવલ્લભ મંદિરે 150 વર્ષથી વધારે જુની પરંપરા મુજબ રાધા અષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. રાધાકૃષ્ણના નિર્મળ પ્રેમ અને સાખ્ય ભાવનો અતુટ સબંધ શ્રધ્ધાળુઓ માટે એક આરાધના બની રહ્યો છે. ત્યારે વૃંદાવનમાં તો રાધાષ્ટમીની ઉજવણીનો રંગ કંઇક અલગ જ હોય છે.

વૃંદાવનની રાધાષ્ટમીની ઉજવણીની પંપરા અંકલેશ્વરમાં પણ પંચાટી બજાર ખાતે આવેલાં  રાધાવલ્લભ મંદિર ખાતે કરવામાં આવે છે. રાધા વલ્લભ મંદિરે રાધાષ્ટમી ઉજવણી નિમિત્તે ગોસ્વામી પરિવાર દ્વારા રાધાષ્ટમીની પૂર્વ સંધ્યાએ અંકલેશ્વરના ભરૂચી નાકા પાસે આવેલ કમાલીવાલા બાબાની વાડીએ પાદુકા પૂજન કરવામાં આવ્યું હતું. આદ્ય સ્થાપક લાડલીલાલજી મહારાજ તેમજ મોહનલાલજી મહારાજની પાદુકાનું વિધિવત પૂજન કરાયું હતું. જેમાં રાધા વલ્લભમંદિરના મનોજલાલજી ગોસ્વામી, કૌશલ ગોસ્વામી સહિત અન્ય પરિવારજનો તથા નગરજનો પણ ઉપસ્થિત રહ્યા હતાં. મંદિરમાં આખી રાત ભક્તિના ભજનોની રમઝટ બોલાવાઈ હતી.

ત્યારબાદ રાધાષ્ટમીના પાવન પર્વએ વહેલી સવારે છ વાગ્યે રાધાજીની પ્રતિમાને કેસર સ્નાન બાદ આકર્ષક શણગારથી સજાવવામાં આવી હતી. જેના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા અને કૃતાર્થ થયાની લાગણી અનુભવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here