ભારત રત્ન અને લોખંડી પુરુષ તરીકે જાણીતા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે અંકલેશ્વર શહેર A ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી દેશભક્તિમય માહોલમાં કરવામાં આવી હતી.આ પ્રસંગે પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ તેમજ પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સૌએ સરદાર વલ્લભભાઈ પટેલના જીવનચરિત્ર, દેશની આઝાદી બાદ રાષ્ટ્રનિર્માણમાં તેમના અમૂલ્ય યોગદાન તથા દેશના વિવિધ રજવાડાંઓને એકત્રિત કરીને અખંડ ભારતના નિર્માણમાં ભજવેલી ઐતિહાસિક ભૂમિકાને યાદ કરી હતી.કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમનું લાઈવ પ્રસારણ પણ નિહાળવામાં આવ્યું હતું. આ સાથે રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને દેશની એકતા જાળવી રાખવાના સંકલ્પને પુનઃ દોહરાવવામાં આવ્યો હતો.

‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના સંદેશ સાથે યોજાયેલી આ ઉજવણીમાં સરદાર સાહેબના રાષ્ટ્રપ્રેમ, સમર્પણ અને અખંડ ભારતના સ્વપ્નને યાદ કરી તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
