અંકલેશ્વર : હવાની ગુણવત્તામાં થયો સુધારો, બહારથી આવતું એફલુએન્ટ રોકવા માંગ

અંકલેશ્વર અને પાનોલી જીઆઇડીસીના ઉદ્યોગો માટે દિવાળી પહેલા જ એક સારા સમાચાર આવ્યાં છે. હવા પ્રદુષણના કારણે બંને જીઆઇડીસીના ઉદ્યોગો પર એનજીટીની ગાજ વરસી છે તેવામાં નેશનલ એર કવોલીટી ઇન્ડેકસના જાહેર થયેલા આંકડાઓમાં અંકલેશ્વરમાં હવાની ગુણવત્તામાં સુધારો થયો હોવાનું બહાર આવ્યું છે.
અંકલેશ્વર અને પાનોલી જીઆઇડીસીનો સેપી આંક નિયત કરતાં વધારે આવતાં એનજીટીએ ઉદ્યોગો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વરના એર કવોલીટી ઇન્ડેકસમાં ઝડપથી વધારો થઇ રહયો હતો. પ્રદુષણના મુદે થઇ રહેલી કાર્યવાહીના પગલે નાના અને મધ્યમ કદના ઉદ્યોગોની કમર તુટી ગઇ હતી. કંપનીની કિમંતો કરતાં દંડની રકમ વધારે હોવાથી ઉદ્યોગો બંધ કરી દેવા પડે તેવી સ્થિતિ હાલ પ્રર્વતી રહી છે.
અંકલેશ્વર અને પાનોલીના ઉદ્યોગોની સમસ્યા સાંભળવા માટે જીપીસીબીના મેમ્બર સેક્રેટરી નરેશ તાભાણી પણ અંકલેશ્વર ખાતે આવ્યાં હતાં. અંકલેશ્વર અને પાનોલીના ઉદ્યોગો કપરી સ્થિતિમાંથી બહાર આવવા માટે સંઘર્ષ કરી રહયાં છે તેવામાં તેમના માટે નેશનલ એર કવોલીટી ઇન્ડેકસના આંકડા આશાનું નવું કિરણ લઇને આવ્યાં છે. તાજેતરમાં જાહેર થયેલા આકડાઓમાં અંકલેશ્વર જીઆઇડીસીમાં હવાની ગુણવત્તામાં સુધારો થયો હોવાનું જણાયું છે. હવાની ગુણવત્તા સુધારવા માટે ઉદ્યોગકારો હવે કમર કસી રહયાં છે. તેમના જણાવ્યા અનુસાર અંકલેશ્વરમાં અન્ય જીઆઇડીસીનું એફલુએન્ટ આવે છે જેના કારણે પ્રદુષણ વધી રહયું છે. અંકલેશ્વરના ઉદ્યોગોનું પ્રદુષણ ઓછુ હોવા છતાં અન્ય જીઆઇડીસીના એફલુએન્ટના કારણે તેમને ભોગવવાનું આવી રહયું છે. અંકલેશ્વરમાં અન્ય જીઆઇડીસીઓમાંથી આવતું એફલુએન્ટ નહિ રોકાઇ તો જીઆઇડીસીમાં આવતાં તમામ વાહનોને અટકાવવા સહિતનું આંદોલન કરવાની ચીમકી એઆઇએના સભ્યોએ આપી છે.