Connect Gujarat
ગુજરાત

અમદાવાદઃ શ્રાવણિયા જુગાર પર પોલીસના 18 સ્થળે દરોડા, 128 પકડાયા

અમદાવાદઃ શ્રાવણિયા જુગાર પર પોલીસના 18 સ્થળે દરોડા, 128 પકડાયા
X

24 કલાકમાં 60 જગ્યાએથી દેશી-વિદેશી દારૂ પકડી ૫૭ બૂટલેગર, પીધેલા ઝડપાયા

શ્રાવણ મહિનો શરૂ થતાં જ ઘણાં લોકો દારૂ અને નશો કરતાં નથી! આમ છતાં તહેવારો દરમિયાન દારૂ-જુગારની બદી સામે પોલીસે ડ્રાઈવ ચલાવવી પડે તે સામાજિક વિટંબણા છે. અમદાવાદ શહેર પોલીસે શ્રાવણિયા જુગાર પર ધોંસ વધારી છે. જેના પગલે 18 સ્થળોએ દરોડા પાડી 128 જેટલા જુગારીને ઝડપી લઈ 20 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન 60 જગ્યાએથી દેશી-વિદેશી દારૂ સાથે 57 બૂટલેગર, પીધેલા પકડી પાડ્યા હતા..

વાડજ પોલીસે નવા વાડજના નિર્ણયનગરના સેક્ટર 7-Bના એક મકાનમાં દરોડો પાડ્યો હતો. જુગાર રમતાં સાત શખ્સો પાસેથી રૂપિયા 57850, બે મોબાઈલ ફોન અને એક કાર સાથે ઝડપી લેવાયા હતા. સાબરમતી પોલીસે ન્યૂ રાણિપમાં ખોડિયાર માતાજી મંદિર નજીક સાનિધ્ય ફ્લોરાના એક ફ્લેટમાં જુગાર રમતા નવ શખ્સોને પકડી પાડ્યા હતા. પોલીસે આ શખ્સો પાસેથી રોકડ, મોબાઈલ ફોન, એક કાર અને ત્રણ એક્ટિવા મળી ૧૦.૫૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે, સોલા પોલીસે ચાંદલોડિયાની ગાયત્રીનગર સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા 13 શખ્સોને 11900ની રકમ સાથે ઝડપી લીધા હતા..

દારૂ-જુગારની ડ્રાઈવ દરમિયાન યુનિવર્સિટી પોલીસે સાત, વેજલપુર પોલીસે ચાર, સાબરમતી પોલીસે કુલ 23, રાણીપમાં નવ, માધવપુરા-શહેરકોટડામાં ત્રણ-ત્રણ, હવેલીમાં પાંચ, શાહીબાગમાં છ, મેઘાણીનગરમાં 3, ગોમતીપુર-અમરાઈવાડીમાં 4 અને વટવામાં નવ જુગારી પકડાયાં છે. દારૂબંધીનો અમલ કરાવવા પોલીસ ઉપર દબાણ વધ્યું છે. આ કારણે શહેર પોલીસે વિતેલા 24 કલાકમાં 60 જગ્યાએ દરોડા પાડી દારૂની 76 બોટલ, 234 લિટર દેશી દારૂ, 700 ગ્રામ ગાંજો પકડી પાડ્યા છે. એક ઓટોરિક્ષા અને એક કાર મળી કુલ 57 બૂટલેગરોની ધરપકડ કરવામાં આવી છે.

Next Story
Share it