Connect Gujarat
દેશ

અયોધ્યાના આતંકી હુમલામાં ૧૪ વર્ષ બાદ આવ્યો ચુકાદો : ૪ લોકોને આજીવન કેદ, તો ૧ને કરાયો નિર્દોષ જાહેર

અયોધ્યાના આતંકી હુમલામાં ૧૪ વર્ષ બાદ આવ્યો ચુકાદો : ૪ લોકોને આજીવન કેદ, તો ૧ને કરાયો નિર્દોષ જાહેર
X

રામ જન્મભૂમિ અયોધ્યામાં વર્ષ ૨૦૦૫માં થયેલ આતંકી હુમલા પર આજે મંગળવારે ચુકાદો આવ્યો છે. પ્રયાગરાજની નેની સેન્ટ્રલ જેલમાં ચાલેલી સુનાવણીમાં વિશેષ અદાલતે ૪ જેટલા આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવી છે. જ્યારે ૧ આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. આ આરોપીઓ ઉપર અયોધ્યામાં આંતકી હુમલાના ષડયંત્રનો આરોપ હતો. તેઓ છેલ્લાં ઘણાં સમયથી નેની સેન્ટ્રલ જેલમાં કેદ હતા. આ કેસમાં કુલ ૬૩ જેટલાં સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા હતા. જેમાંથી ૧૪ જેટલાં લોકો પોલીસકર્મી છે. આ મામલાની સુનાવણી જજ દિનેશચંદ્ર દ્વારા કરવામાં આવી હતી.

વર્ષ ૨૦૦૫માં ૫ જુલાઈના રોજ અયોધ્યામાં થયેલ આતંકી હુમલામાં ૨ લોકોના મોત નિપજ્યાં હતા. હુમલા દરમિયાન કેટલાંક સિક્યોરિટી ગાર્ડ્સ પણ ઘાયલ થયા હતા. આ કેસમાં ૫ આરોપીઓ ડો ઈરફાન, મોહમ્મદ શકીલ, મોહમ્મદ નસીમ, મોહમ્મદ અઝીઝ અને ફારૂક જેલમાં જ કેદ છે. આજે આવેલ ચુકાદામાં મોહમ્મદ અજીજને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે, જ્યારે બાકીના ચારેય આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે અને તેમના પર ૪૦,૦૦૦ રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવ્યો છે. વધુમાં આજના દિવસે આવેલ ચુકાદાને ધ્યાનમાં રાખીને અયોધ્યા અને નેની સેન્ટ્રલ જેલની સુરક્ષામાં સઘન વધારો પણ કરવામાં આવ્યો હતો.

અત્રે નોંધનીય છે કે, આતંકી હુમલાનું કાવતરું ઘડનાર અરશદને ઘટના સ્થળે જ ઠાર મારવામાં આવ્યો હતો. પરંતુ છેલ્લા ૧૪ વર્ષથી આ કેસની સુનાવણી અને ટ્રાયલ ચાલી રહી હતી. પરંતુ અગાઉ ઘણી વખત વીડિયો કોન્ફરન્સ દ્વારા પણ સુનાવણી કરવામાં આવી હતી. ત્યારે આજરોજ લાંબી સુનાવણી બાદ જજ દિનેશચંદ્ર દ્વારા આ કેસમાં નિર્ણય લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

Next Story