અરવલ્લી : ઉનાળામાં તળિયા ઝાટક થયેલો વાત્રક ડેમ થયો છલોછલ, ડેમ માથી 2 હજાર ક્યુસેક પાણી છોડાયું

અરવલ્લી જિલ્લામાં ભાદરવા મહિનાના અંતમાં મેઘરાજા હજુ પણ વરસી રહ્યા છે. ત્યારે જિલ્લાના તમામ જળાશયો છલકાઈ ગયા છે. અરવલ્લી જિલ્લાનો માઝૂમ, મેશ્વો તેમજ વાત્રક ડેમ છલોછલ થતાં ભૂમિપુત્રો ખુશખુશાલ થઇ ગયા છે. સિઝનમાં પ્રથમવાર વાત્રક ડેમ ભરાતા આસપાસના ખેડૂતોમાં ખુશી પ્રસરી છે. ઉનાળાની ઋતુમાં વાત્રક ડેમ તેર ટકા સુધી પહોંચી ગયો હતો, એટલે જળાશય તળિયા ઝાટક થતાં બાયડ તેમજ માલપુર તાલુકાના લોકોમાં ચિંતા પ્રસરી હતી, પણ હવે વાત્રક ડેમ પણ સો ટકા ભરાતા લોકોમાં ખુશી પ્રસરી છે. આજે વાત્રક ડેમમાં ભારે આવક થતાં બે હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું, વાત્રકની કુલ સપાટી 136.25 છે, જેનું રૂલ લેવલ જાળવવા માટે બે હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. વાત્રક ડેમથી બાયડ, માલપુર અને ધનસુરા તાલુકાના ખેડૂતોને સિંચાઈ માટે સીધો ફાયદો થશે.
વાત્રક ડેમમાંથી પાણી છોડાતા આસપાસના કોઝ વે પરથી પાણી ફરી વળ્યા હતા. સિઝનમાં પ્રથમવાર પાણી છોડાતા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.