Connect Gujarat
ગુજરાત

અરવલ્લી : ધંબોલીયા ગ્રામ પંચાયત સદસ્યની દાદાગીરી, મહિલા સરપંચની કરી છેડતી

અરવલ્લી : ધંબોલીયા ગ્રામ પંચાયત સદસ્યની દાદાગીરી, મહિલા સરપંચની કરી છેડતી
X

એક તરફ સરકાર સ્ત્રી સશક્તિકરણ અને 'બેટી બચાવો, બેટી પઢાવો'ની ગુલબાંગો પોકારી રહી છે. મહિલાઓ માટે શખ્ત કાયદા સામે પણ અસામાજિક તત્વોને કોઈ ખોફ નથીતેમ લાગી રહ્યું છે.

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ધંબોલીયા ગ્રામ પંચાયતમાં ગ્રામ વિકાસ માટેની ગ્રાન્ટના ઉપયોગ માટે બોલાચાલી થયા બાદ મામલાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.એક સદસ્યએ ઉશ્કેરાઈ જઈ ગ્રામ પંચાયતમાં હાજર તમામ સદસ્યોની ઉપસ્થિતિમાં બેશરમી પૂર્વક મહિલા સરપંચની છેડતી કરવાનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામીહતી. ગ્રામ પંચાયત સદસ્ય હિતેશ નિનામાના હુમલાથી ડઘાઈ ગયેલી મહિલા સરપંચે ૧૮૧ મહિલા અભયમ હેલ્પલાઈની મદદ લીધી હતી. મહિલાની ફરિયાદના પગલે ૧૮૧ અભયમની ટીમ ઘટના સ્થળે પહોંચી મહિલા સરપંચને સુરક્ષા પુરી પાડી શામળાજી પોલીસ સ્ટેશને પહોંચી હતી. મહિલા સરપંચે શામળાજી પોલીસ સ્ટેશને સભ્ય વિરુદ્ધપોતાના સાથે થયેલ છેડતીની ફરિયાદ નોંધાવતા પંચાયત આલમમાં ખળભળાટ મચી ગયો હતો.

ગત તા. ૬ જુલાઇ શનિવારના રોજ બપોરે ભિલોડા તાલુકાની ધંબોલીયા ગ્રામ પંચાયતની બેઠક તલાટી પી.બી.ભોઈની હાજરીમાં ગામના વિકાસની ગ્રાન્ટ માટેની બેઠક મળી હતી. તલાટી પાણી પીવામાટે બહાર નીકળ્યા તે ઘડીએ મહિલા સરપંચ સાથે સદસ્ય હિતેશ સુરજી નિનામા વચ્ચે રકજક થઇ હતી. હિતેશ નિનામાએ મહિલા સરપંચ પર હુમલો કરી કપડાં ફાડી નાખી આબરૂ લેવાનો પ્રયત્ન કરવાની સાથે ગડદાપાટુનો માર મારતા ભારે હોબાળો મચી ગયો હતો. મહિલા સરપંચના પતિ દોડી આવતા ભાન ભૂલેલા સદસ્યએ મહિલા સરપંચના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તો મહિલા સરપંચ અને ગ્રામ પંચાયતના બોડીના સભ્યોને પણ બિભસ્ત ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સમગ્ર મામલો શામળાજી પોલીસ સ્ટેશને પહોંચતા શામળાજી પોલીસે મહિલા સરપંચની ફરિયાદના આધારે હિતેષ સુરાજી નિનામા વિરુદ્ધ ઇપીકો કલમ-૩૫૪(બી),૩૨૩, ૫૦૪, ૫૦૬(૨) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મહિલા સરપંચના પતિના જણાવ્યા અનુસાર, હિતેશ નિનામા છેલ્લા ૬-૭ મહિનાથી ગ્રામ પંચાયતમાં ગ્રાન્ટ અંગે વિવાદ કરતો હતો તેમજ ગામના વિકાસમાં ગ્રાન્ટ વાપવરવા નહિ દેવાની ધમકી સાથે મહિલા સરપંચને હેરાન કરવા અને ગામમાં સરપંચનો વહીવટ તેના હાથમાં લેવા અરજીઓ કરી હેરાન કરતો હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંતભિલોડા તાલુકા વિકાસ અધિકારીએ ઘટના બની હોવાનું જાણી રીપોર્ટ મંગાવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

Next Story