અરવલ્લી : બીજી વાર યોજાયેલી શિક્ષક સંઘની ચૂંટણીમાં ભારે રસાકસી, ઉમેદવારોએ કર્યા જીતના દાવા

અરવલ્લી જિલ્લામાં વિવાદોમાં રહેલી શિક્ષક સંઘની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું, ત્યારે એકતા પેનલ અને પરિવર્તન પેનલ વચ્ચે ભારે રસાકસી સાથે ચૂંટણીનો જંગ જોવા મળ્યો હતો.
અરવલ્લી જિલ્લામાં ઉપપ્રમુખ અને મહામંત્રીના પદ માટે શિક્ષક સંઘની ચૂંટણીનું મતદાન યોજાયું હતું. મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે, ત્યારે તાલુકા કક્ષાએ પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ સહમંત્રી માટે ચૂંટણીનો જંગ જામ્યો હતો. કુલ 6 તાલુકાઓ પૈકી ભિલોડા તેમજ ધનસુરા તાલુકામાં ચૂંટણી બિનહરીફ જાહેર થઇ છે, જ્યારે ભિલોડા, માલપુર, મેઘરજ અને મોડાસા તાલુકામાં મતદાન યોજાયું હતું.
ઉલ્લેખનિય છે કે, અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી 3 મહિના પહેલા યોજાઈ હતી. ચૂંટણીનું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું ત્યારથી જ બે પેનલો વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો. જોકે, બંધારણ મુજબ ચૂંટણી ન થઇ હોવાની અટકળોએ વેગ પકડ્યો હતો. ત્યાર બાદ જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ રજૂઆત થતાં પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી રદ્દ કરી ચૂંટાયેલા હોદ્દેદારોને અમાન્ય ગણવાનો હુકમ જિલ્લા વિકાસ અધિકારીએ કર્યો હતો.