આંતરરાષ્ટ્રીય સદભાવના યાત્રાનું ભરૂચમાં આગમન

કસક ગુરૂદ્વારા ખાતે ભવ્ય સ્વાગત કરાયું
શીખ ધર્મના ગુરૂ નાનકદેવજીની ૫૫૦મી જન્મ જયંતિ નિમિત્તે નેશનલ ઇન્ટીગ્રેટેડ ફોરમ ઓફ આિર્ટસ્ટ એન્ડ એક્ટિવીસ્ટ (નિફા)તથા ભારતીય શિરોમણી ગતકા ફાઉન્ડેશન ઘ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય ગુરૂનાનક સદભાવના યાત્રાનું ભરૂચમાં આગમન થતા કસક ગુરૂદ્વારા ખાતે યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
શીખ ધર્મના ગુરૂનાનક દેવની ૫૫૦મી જન્મજયંતિ નિમિત્તે નિફા દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય ગુરૂનાનક સદભાવના યાત્રા આજરોજ ભરૂચ ખાતે આવી પહોંચી હતી. જેમાં નિફાના રાષ્ટ્રીય પ્રમુખ પ્રીતપાલસિંઘ પન્નુ, ગતકા ફાઉન્ડેશનના ચેરમેન ગુરૂ તેજસિંઘ ખાલસા અને નિફાના ગુજરાત પ્રદેશના પ્રમુખ પંકજસિંહ ઝાલાનું સ્વાગત અને સન્માન કરાયું હતું. કસક ગુરૂદ્વારા ખાતે યાત્રા પહોંચતા ગુરૂનાનકની સમાધિ પર હાજરી આપી ભરૂચના શીખબંધુઓ અને નિફાના આગેવાનો તથા કાર્યકરો સાથે બેઠક કરી હતી. જેમાં નિફાના ભરૂચ યુનિટના પ્રમુખ યુનિટ તરીકે નંદેલાવના સરપંચ રતિલાલ ચૌહાણની વરણી કરાઈ હતી. બેઠકમાં નિફાના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રીતપાલસિંહ પન્નુએ નિફા અને સદભાવના યાત્રાની માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે શાંતિ અને ભાઈચારાના સંદેશ સાથે આંતરરાષ્ટ્રીય સદભાવના યાત્રાની સદભાવના યાત્રાની શરૂઆત કરવામાં આવી છે.
શ્રીલંકા, તિબેટ, રૂસ, ઈરાક, નેપાળ, સાઉદી અરેબીયા સહિતના સ્થાનો પર ગુરૂનાનકજી સદભાવના યાત્રાએ પ્રથમ પડાવ પૂર્ણ કરી બીજા અને ત્રીજા પડાવની શરૂઆત કરી છે. જેમાં જ્યાં જ્યાં ગુરૂનાનક ગયા હતા. તેવા સ્થાનો ઉપર આ યાત્રા ફરી રહી છે. ૧૦૦ શહેરોમાં પર્યાવરણની સુરક્ષા માટે ૫૫૦૦૦ વૃક્ષોનું વૃક્ષારોપણ યાત્રા દરમિયાન કરાશે. દરેક ગુરૂદ્વારામાંથી ત્યાંની માટી અને પાણી લઈને આ યાત્રા છેલ્લે સુલતાનપુર લોધી કે જ્યાં ગુરૂનાનકનું મોસાળ કહેવાય છે ત્યાં કરતારપુર સાહિબ કોરિડોર ખાતે એક વૃક્ષ રોપવામાં આવશે તેમ તેમણે કહ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે નેશનલ ઈન્ટીગ્રેટેડ ફોરમ ઓફ આિર્ટસ્ટ એન્ડ એક્ટિવિસ્ટ (નિફા) સંસ્થાએ એચ.આઇ.વી., એઈડસ, ગૌહત્યા અને બ્લડ ડોનેશન અંગે જનજાગૃતિ લાવવા માટેનું કામ કર્યું છે એટલું જ નહિં લોકસંસ્કૃતિને જાળવી રાખવાના પણ ઉત્તમ પ્રયાસો કરવાના કારણે ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નિફાનું નામ નોંધાયેલું છે.