ખેતીપ્રધાન દેશ એવા ભારતના નાના તથા સીમાંત ખેડૂતોને સહાયરૂપ થવા સાથે તેમની આવક વધારવાના પ્રયાસરૂપે સંવેદનશીલ ભારત સરકારે સો ટકા કેન્દ્રિય પુરસ્કૃત યોજના એવી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અમલી બનાવી છે. જે ખેડૂતોને આર્થિક મદદની સાથે ખાનગી ધિરાણદારો દ્વારા વસુલાતા વ્યાજના વિષચક્રમાંથી પણ મુક્તિ અપાવશે, તેમ ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી રમણલાલ પાટકરે આહવા ખાતે જણાવ્યું હતું.

પાત્રતા ધરાવતા ખેડૂતોને વર્ષેદાડે ત્રણ સરખા હપ્તામાં રૂા.૬ હજારની આર્થિક સહાય પુરી પાડતી આ યોજનાનો લાભ ડાંગ જિલ્લાના કુલ ૨૫ હજાર ૦૨૩ લાભાર્થી ખેડૂત પરિવારોને આપવાના લક્ષ્યાંક સામે તા.ર૩મી ફેબ્રુઆરી સુધી ર૦ હજાર ૭૦૮ ખેડૂતોની ઑનલાઇન ડેટાએન્ટ્રીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે તેમ જણાવતા મંત્રી શ્રી પાટકરે હજી પણ જો કોઇ ખેડૂતો આ યોજનાનો લાભ લેવાથી વંચિત રહી ગયા હોય, તો તેમની ડેટાએન્ટ્રી વેળાસર નજીકની પંચાયતોમાં જઇને કરાવી શકે છે તેમ જણાવ્યું હતુ. રાજ્ય સરકારે ખેડૂતો માટે જારી કરેલી વીજ બીલ માફીની યોજનાને પણ આ યોજના સાથે સાંકળીને ખેડૂતોને લાભાન્વિત કરાશે તેમ પણ મંત્રી શ્રી પાટકરે વધુમાં ઉમર્યું હતું.

તા.૯મી ફેબ્રુઆરી, ૨૦૧૯થી જિલ્લામાં થયેલી ખેડૂતોની નોંધણીની કામગીરીની રૂપરેખા આપતા પ્રાસંગિક વક્તવ્યમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણિયાએ છેલ્લા ૧પ દિવસ જેટલા ટૂંકાગાળામાં આ યોજનાના  લાભાર્થી પરિવારોની વ્યાખ્યા તથા પાત્રતા જેવી બાબતો ઉપર પ્રકાશ પાડયો હતો.

કાર્યક્રમની રૂપરેખા આપવા સાથે શાબ્દિક સ્વાગત કરતા જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી સુનિલ પટેલે જિલ્લામાં અમલી યોજનાની રૂપરેખા આપી હતી. મહાનુભાવોએ દીપ પ્રાગટય કરીને કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો. આહવાના ડાંગ દરબાર હોલ ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ કાર્યક્રમની સાથે સાથે ડાંગ જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખા દ્વારા ખેડૂત તાલીમ શિબિરનું પણ આયોજન કરાયુ હતું. કાર્યક્રમ દરમિયાન આશ્રમ વિઘાલયના શિક્ષક પ્રજ્ઞેશ પટેલે ઉદ્ધોષક તરીકેની સેવા પ્રદાન કરી હતી. આભારવિધી આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર મહેશ પટેલે આટોપી હતી.

ઉલ્લેખનિય છે કે, ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આજદિન સુધી કુલ ૮,૦૭૨ લાભાર્થીઓની ડેટાઍન્ટ્રી થવા સાથે વધઇ તાલુકામાં ૬,૮૭૨ અને નવરચિત સુબિર તાલુકામા ૫,૭૬૫ ખેડૂતોની ડેટાએન્ટ્રીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ડાંગ કલેક્ટર એન.કે.ડામોર તથા જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણિયાના સીધા માર્ગદર્શન હેઠળ સંબંધિત જિલ્લા/તાલુકા અને ગ્રામ્ય કર્મયોગીઓ દ્વારા રાતદિવસની જહેમત બાદ જિલ્લાના પાત્રતા ધરાવતા ખેડૂતોને શોધી, તેમને લાભાન્વિત કરવાનો ભગિરથ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. જેના પરિણામ સ્વરૂપ સમયસરથી થયેલી એન્ટ્રીની કામગીરીમાં ડાંગ જિલ્લો ટકાવારીની દ્રષ્ટિએ રાજ્યમાં પ્રથમ રહેવા પામ્યો છે.

આહવા ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં ડાંગ જિલ્લા પંચાયતના અધ્યક્ષા બીબીબેન ચૌધરી, આદિજાતિ વિકાસ કોર્પોરેશનના ડીરેક્ટર  બાબુરાવ ચૌર્યા સહિત એ.પી.એમ.સી.ના ચેરમેન  વિજયભાઇ પટેલ, આહવા તાલુકા પંચાયતન પ્રમુખ  નરેશ ગવળી, તાલુકા/જિલ્લા પંચાયતના પદાધિકારીઓ, કલેક્ટર  એન.કે.ડામોર, નાયબ વન સંરક્ષકો અગ્નિશ્વર વ્યાસ અને દેવેન્દ્ર ત્રિવેદી, નિવાસી અધિક કલેક્ટર  ટી.કે.ડામોર, પ્રાંત અધિકારી કાજલ ગામીત, મામલતદાર  પી.બી.ગવળી, બાગાયત અધિકારી  તુષાર ગામીત, કાર્યપાલક ઇજનેર  જી.એ.પટેલ સહિતના ઉચ્ચાધિકારીઓ, કર્મચારીઓ, જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો અને લાભાર્થી ધરતીપુત્રો ઉપસ્થિત રહ્યા હતા.

આહવાના ડાંગ દરબાર હોલ ખાતે આયોજિત જિલ્લા કક્ષાના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ કાર્યક્રમની સાથે સાથે વડાપ્રધાનના મનકી બાત કાર્યક્રમનું પણ અહીં જીવંત પ્રસારણ કરાયુ હતું. સાથે સાથે ઉત્તરપ્રદેશના ગોરખપુર ખાતેથી વડાપ્રધાનની ઉપસ્થિતિમાં યોજાયેલા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના રાષ્ટ્રાર્પણ કાર્યક્રમનું પણ જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here