સગર્ભા અને ધાત્રી માતાને પોષણયુક્ત આહાર મળી રહે તે માટે સંસ્થાને હાથ ધર્યુ અભિયાન

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે છેલ્લા આઠ વર્ષથી કાર્યરત બરોડા સ્વરોજગાર સંસ્થાન (તાલીમ સંસ્થા) દ્વારા ચાલુ નાણાંકિય વર્ષ દરમિયાન માહે એપિ્રલ થી ડીસેમ્બર, ૨૦૧૯ સુધીમાં જિલ્લાની કુલ ૨૦૨ સખી મંડળની બહેનોને નિદર્શક ભોજન અંગેની તાલીમ આપી સુસજ્જ કરવામાં આવી છે. આ તાલીમાર્થી બહેનો દ્વારા જિલ્લાની સગર્ભા અને ધાત્રી માતાઓને પોષણયુક્ત આહાર પુરો પાડીને સ્વરોજગારી મેળવવામાં આવી રહી છે.

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સહયોગથી સંસ્થાન દ્વારા સુબિર તાલુકાની ૬૭, વધઇથી ૭૦ અને આહવા તાલુકાની ૬૫ બહેનોને આ પ્રકારની તાલીમ આપી પગભર કરવામાં આવી છે. મહિલા સશક્તિકરણના ભાગરૂપે સંસ્થાન દ્વારા ડાંગ જિલ્લાના જરૂરિયાતમંદો માટે ટૂંકાગાળાના તાલીમ વર્ગોની નિયમિત રીતે આયોજન કરવામાં આવે છે. તાલીમ બાદ તાલીમાર્થીઓને લોન/સહાય પણ પુરી પાડવામાં આવે છે. સંસ્થાન તરફથી પ્રાપ્ત વિગતો અનુસાર વર્ષ દરમિયાન પશુપાલન, મરધા પાલન, ટેલરીંગ, બેંક સખી સહિત જીએસટી સહેલી, મોબાઇલ ફોન રીપેરીંગ, ટુ વ્હીલર રીપેરીંગ, સુથારી કામ, મોટર ડ્રાઇવીંગ જેવી તાલીમો પણ આપવામાં આવી રહી છે.

ટૂંકાગાળાના આવા તાલીમ વર્ગોમાં પ્રવેશ મેળવી સ્વરોજગારી ક્ષેત્રે પ્રવૃત્ત થવા ઇચ્છુક ડાંગ જિલ્લા બેરોજગાર યુવક/યુવતિઓને તાલુકા શાળાની પાછળ, સહયોગ સોસાયટી ખાતે આવેલા બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાનનો સંપર્ક સાધવા જણાવાયુ છે.

LEAVE A REPLY