વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. આજે બનાસકાંઠાના ભીલડીમાં ₹14,000 કરોડથી વધુનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. હવે વડાપ્રધાન એકતાનગર પહોંચ્યા હતા. અહીં એકતાનગરમાં વડાપ્રધાને ‘ભારત પર્વ’નું ઉદ્ઘાટન કર્યું હતું. ભારત પર્વનું ઉદ્ઘાટન કર્યા બાદ વડાપ્રધાન આનંદ મઠ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના કાર્યક્રમમાં હાજરી આપશે. તેઓ નર્મદા ઘાટ ખાતે નર્મદા આરતીમાં પણ સહભાગી થશે.

ભારત પર્વમાં દેશનાં વિવિધ રાજ્યોની કલા, સંસ્કૃતિ, પરંપરા અને પ્રવાસન સ્થળોની ઝલક એક જ સ્થળે જોવા મળશે. દેશના અલગ-અલગ રાજ્યોનાં પરંપરાગત વ્યંજનોના સ્વાદ પણ પ્રવાસીઓ અહીં માણી શકશે. 1 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી ચાલનારા આ ભારત પર્વમાં ભારતના સાંસ્કૃતિક વૈવિધ્યને રજૂ કરવામાં આવશે. 

સાંજે 8:15થી 8:45 વાગ્યા સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી નર્મદા ઘાટ ખાતે નર્મદા આરતીમાં હાજરી આપશે. આરતીમાં સહભાગી થયા બાદ તેઓ રાત્રે 8:45 વાગ્યા પછી સર્કિટ હાઉસ જવા રવાના થશે. બીજા દિવસે એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના કાર્યક્રમોમાં પણ તેઓ સહભાગી થશે. 

31 ઓક્ટોબર 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે એકતાનગરમાં IRCTCની નવી હોટલનું લોકાર્પણ કરવામા આવશે. એકતાનગર રેલવે સ્ટેશન નજીક ₹52.50 કરોડના ખર્ચે IRCTCની નવી હોટેલનું નિર્માણ કરવામાં આવ્યું  છે. 127 રૂમની આ આધુનિક હોટેલ પ્રવાસીઓને રોકાણ માટે ગુણવત્તાયુક્ત સુવિધા ઉપલબ્ધ કરાવશે અને સ્થાનિક અર્થતંત્રને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.

આશરે બે એકર વિસ્તારમાં આ હોટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. હોટેલમાં ચાર અલગ-અલગ પ્રકારના રૂમ, રેસ્ટોરન્ટ, કેફેટેરિયા, બેન્ક્વેટ હોલ, કોન્ફરન્સની સુવિધાઓ તેમજ સ્વિમિંગ પૂલ અને આકર્ષક પરિસર ઉપલબ્ધ છે. આ હોટલ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આસપાસનાં પ્રવાસન સ્થળોની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે ઉપયોગી બનશે. રેલવે સ્ટેશનની નજીક હોવાથી રેલવે મુસાફરો માટે તે એક વિશેષ સુવિધા બની રહેશે.