Connect Gujarat
ગુજરાત

કચ્છ: ગૌશાળામાં ઝેરી ઘાસચારો આરોગવાથી અત્યાર સુધી 30 ગાયોના મોત

કચ્છ: ગૌશાળામાં ઝેરી ઘાસચારો આરોગવાથી અત્યાર સુધી 30 ગાયોના મોત
X

કચ્છના અંજાર તાલુકાના નાની અને મોટી નાગલપર ગામની પંચાયતો દ્વારા સંયુક્ત રીતે ચલાવાતી ગૌશાળામાં ઝેરી ઘાસચારો આરોગવાથી અત્યારસુધીમાં 30 ગાયોના મોત નીપજ્યાં છે.જ્યારે 95 ગાયોને બચાવી લેવાઈ છે.મૃતક ગાયો અને ચરાના સેમ્પલ અમદાવાદની લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવશે.

ગત સાંજે પાંચેક વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો.ગૌશાળામાં હાલ 300 જેટલી રખડતી-ભટકતી ગાયોને આશ્રય અપાયેલો છે. સાંજે લીલો ઘાસચારો ખાધા બાદ એકાએક 30 ગાયોની તબિયત લથડી હતી અને ટપોટપ મરવા માંડી હતી. બનાવ અંગે જાણ થતાં જીવદયાપ્રેમીઓ અને ગ્રામજનો ગૌશાળા દોડી ગયાં હતા અને ગાયોને બચાવવા કવાયત હાથ ધરી હતી.પશુ તબીબની છ ટૂકડીએ સ્થળ પર 95 ગાયોની સારવાર કરી બચાવી હતી.પવિત્ર શ્રાવણ માસમાં આ બનાવ બનતાં જીવદયાપ્રેમીઓમાં અરેરાટી છવાઈ ગઈ છે.સેવાભાવી લોકો ઘાસચારો અને ભીંડા આપી ગયા હતા જે આરોગયા બાદ બનાવ બન્યો હતો જેથી તેના સેમ્પલ તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

Next Story