Connect Gujarat
ગુજરાત

કચ્છ સહિત 8 જિલ્લાના ATM તોડનારી ગેંગના લિડરને ગાંધીધામ પોલીસે રાજસ્થાનથી ઝડપી પાડ્યો

કચ્છ સહિત 8 જિલ્લાના ATM તોડનારી ગેંગના લિડરને ગાંધીધામ પોલીસે રાજસ્થાનથી ઝડપી પાડ્યો
X

કચ્છ સહિત 8 જિલ્લાના ATM તોડનારી ગેંગના લિડરને ગાંધીધામ પોલીસે રાજસ્થાનથી ઝડપી પાડી 13 એટીએમમાં થયેલી લાખોની લૂંટનો ભેદ ઉકેલી લીધો છે.

ગાંધીધામના પડાણામાં બે બેન્કના ATMને ગેસ કટરથી કાપી 28.18 લાખની રોકડ રકમની ચોરી કરનારી હરિયાણાની પ્રોફેશનલ ટોળકી મેવાત ગેંગના સૂત્રધારને પૂર્વ કચ્છ પોલીસે રાજસ્થાનમાંથી દબોચી લઈ મોટી સફળતા હાંસલ કરી છે. આરોપીની પ્રાથમિક પૂછતાછમાં કચ્છ ઉપરાંત રાજ્યના અન્ય અલગ અલગ 11 સ્થળે 13 જેટલા ATMમાં થયેલી કરોડો રૂપિયાની ચોરી અને ચોરીના પ્રયાસના ગુનાના ભેદ ઉકેલી નાખ્યા છે. ગત ત્રીજી જૂલાઈની મધરાત્રે પડાણાના બે ATMમાં ત્રાટકેલી ગેંગે 28.18 લાખ રૂપિયાની રોકડ રકમની ચોરી કરી હતી તો ત્યારબાદ આ ગેંગે અંજાર નજીક વરસાણા ગામે આવેલા એક ATMમાં ગત અઠવાડિયે ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.

પાલનપુરમાં પણ એક ATM તૂટ્યું હતું.દરમિયાન, ગાંધીધામ બી ડિવિઝન પીઆઈ જે.પી.જાડેજાને ગાંધીધામ-પાલનપુરના ATM તોડનારી ગેંગનો લિડર હાસમ હાલ રાજસ્થાનના જોધપુર જિલ્લાના ફલોદી તાલુકાના મલાર ગામે રહેતો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પૂર્વ કચ્છ પોલીસની ટીમે મલારથી તેની ધરપકડ કરી હતી.પોલીસે જણાવ્યું કે, હરિયાણાના મેવાત જિલ્લામાં ATM તોડીને ચોરી કરતી નાની-મોટી 50 ગેંગ કાર્યરત છે. પોલીસે પકડેલાં 46 વર્ષિય હાસમદીન અલ્લાબચાયેં ખાને પ્રાથમિક પૂછપરછમાં તેની ગેંગની મોડસ ઓપરેન્ડી અંગે ચોંકાવનારી કબૂલાત આપી હતી. હાસમે જણાવ્યું કે છેલ્લાં 10 વર્ષથી તે ગેંગલિડર તરીકે કાર્યરત છે. તેની ગેંગમાં 10 આરોપીઓ સામેલ છે. આરોપીઓ ગુગલ મેપ્સ એપ્લિકેશનના આધારે હાઈવે પર આવતા શહેરોના ATMની માહિતી મેળવી લેતાં.

ત્યારબાદ સૌ પોત-પોતાના મોબાઈલ ફોન સ્વિચઓફ કરી એકસાથે નીકળી પડતાં. ATMમાં પ્રવેશે ત્યારે મોઢા પર બુકાની અને હાથમાં મોજા પહેરી લેતાં. જેથી તેમના ચહેરા કે ફિંગર પ્રિન્ટ ટ્રેસ ના થઈ શકે. ગેસકટર વડે ATMની જમણી બાજુની ચેસ્ટ કાપીને અંદર રહેલી કૅશ કાઢી લઈ મહિન્દ્રા પીકઅપ વાનમાં નાસી છૂટતાં. જે પીકઅપ વાનમાં નાસી છૂટ્યાં હોય તે વાન હરિયાણા પાસિંગની ટ્રકમાં લાવતા. ગુનો આચરી પાંચ-દસ કિલોમીટર દૂર જઈ પીકઅપ ફરી ટ્રકમાં ચઢાવી દેવાતી. જેથી ચોરીમાં વપરાયેલું વાહન પણ ટોલનાકાના કોઈ CCTVમાં નજરે ના ચઢતું. મોબાઈલ લોકેશન અને ટોલનાકાના CCTVના આધારે તપાસ કરતી પોલીસને ક્યારેય કોઈ કડી જ ના મળતી. ટેકનિકલ સર્વેલન્સ પર આધાર રાખતી થઈ ગયેલી પોલીસને આ સફળતા હ્યુમન ઈન્ટેલિજન્સ ખબરીના આધારે મળી છે. ધારો કે પોલીસને ગેંગની માહિતી મળી જાય તો પણ તેમને પકડવા ખૂબ અઘરું મનાય છે. કારણ કે, પોલીસ પકડવા આવે તો આરોપીઓ પોલીસ પર પણ હુમલો કરતાં અચકાતાં નથી. આમ, પૂર્વ કચ્છ પોલીસને આ એક મોટી સફળતા મળી છે. ગેંગના અન્ય આરોપીઓને પકડવા હાલ પોલીસની અન્ય ટીમો રાજસ્થાનમાં એક્ટિવ છે.

Next Story
Share it