Connect Gujarat
ગુજરાત

કરજણ:કોલીયાદ ગામમાં ભારે વરસાદને પગલે ગામના પ્રવેશદ્વાર સુધી પાણી ભરાઇ જતા ગ્રામજનો હાલાકીમાં

કરજણ:કોલીયાદ ગામમાં ભારે વરસાદને પગલે ગામના પ્રવેશદ્વાર સુધી પાણી ભરાઇ જતા ગ્રામજનો હાલાકીમાં
X

ગત સપ્તાહમાં પાલેજ પંથકને ધમરોળનાર મેઘરાજાએ ત્રણ દિવસનો પોરો ખાધા બાદ પુન: ગુરુવારે મોડીરાત્રીના સાંબેલાધારરૂપે ખાબકી પડતા ચોમેર જળબંબાકારના દ્રશ્યો સર્જાયા હતા. વાત કરીએ પાલેજથી પાંચ કીમી ના અંતરે આવેલા કરજણ તાલુકાના કોલીયાદ ગામની તો ગતરાત્રીના તથા શુક્રવારે સવારે ખાબકેલા અનરાધાર વરસાદને પગલે કોલીયાદ ગામની સુકી ભઠ્ઠ ભાગોળમાં સરોવર જેવા દ્રશ્યો સર્જાયા હતા. અનરાધાર વરસાદને પગલે સીમના પાણી કોલીયાદ ગામના પ્રવેશદ્વાર સુધી આવી જતા વાહનવ્યવહાર ખોરવાઇ જવા પામ્યો હતો.

કોલીયાદ ગામના પ્રવેશદ્વાર પાસે કેડ સમાણા પાણીમાં અવરજવર કરતા ગ્રામજનો નજરે પડ્યા હતા. કોલીયાદ થી ટીંબી ગામ તરફ જવાના માર્ગની બાજુમાં આવેલી નવીનગરીના રહિશો પણ ફરજિયાત કેડ સમાણા પાણીમાં અવરજવર કરતા નજરે પડયા હતા. ગામના પ્રવેશદ્વાર પાસે કેડ સમાણા પાણી ભરાઇ જતા ગ્રામજનો હાલાકીમાં મુકાયા હતા. ગામના ખેડૂત જગદીશ પટેલના જણાવ્યા પ્રમાણે વરસી રહેલા અનરાધાર વરસાદને પગલે ખેતીમાં પારાવાર નુકસાન થવા પામ્યું છે. તંત્ર તરફથી સહાય મળે એ માટે તેઓએ માંગ કરી હતી. વરસી રહેલા વરસાદને પગલે ખેતરોમાં પાણી ભરાઇ જતા પાક નિષ્ફળ જવાની પણ ધરતીપુત્રો ભીતિ સેવી રહ્યા છે. પુન: અનરાધાર વરસાદને પગલે પાલેજ પંથક જળબંબોળ બનવા પામ્યો છે.

Next Story
Share it