ખેડા : મહેમદાવાદમાં ખેડૂતોને આવ્યો ઝેર પીવાનો વારો, નથી થયો ખેડૂતોનો સર્વે

રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ખેડુતોના પાકને થયેલ નુકશાન પેટે સરકારે 700 કરોડની સહાયની જાહેરાત કરી છે. પરંતુ ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના ખેડુતો આ સહાય થી વંચીત રહેશે.
એક તરફ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને 700 કરોડ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી વરસાદમાં નુકસાન ગયું છે તેવા ખેડૂતોને સાંત્વન આપવામાં આવી રહી છે. તો બીજી તરફ ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના ખેડૂતોને થયેલા નુકસાનનો ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે કરવામાં આવ્યો જ નથી. જેના કારણે મહેમદાવાદ તાલુકાના ખેડૂતોને ઝેર પીવાનો વારો આવ્યો છે. ખેડા જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા મહેમદાવાદ તાલુકાના ગામડાઓમાં નુકશાનીનો સર્વે કર્યો જ નથી, જેના કારણે ખેડુતોને સરકાર તરફથી જાહેર કરેલ વળતરનો લાભ મળશે નહી. મહત્વની વાત છે કે મહેમદાવાદ તાલુકાના ભાજપના ધારાસભ્ય અર્જુનસિહ ચૌહાણે આ બાબતે કૃષી મંત્રીને પણ રજુઆત કરી હોવાનું ખેડુતો જણાવી રહ્યા છે પરંતુ સરકાર દ્વારા સહાયની જાહેરાત કરી દેવાઇ ત્યાં સુધી સમગ્ર તાલુકામાં સર્વે હાથ ધરાયો નથી. ખેડુતોનું કહેવું છે કે આ બાબતે તેઓએ ખેતીવાડી અધિકારીને વાત કરી તો તેઓએ જણાવ્યુ હતુ કે તમારા તાલુકામાં ઓછો વરસાદ થયો હોવાથી સર્વે કરવામાં આવ્યો નથી..