સીએમ રૂપાણીએ કરી જાહેરાત

ગુજરાતમાં ઉત્તરાયણ પર્વ ૧૪મી જાન્યુઆરીથી ઉચ્ચ શૈક્ષણિક પ્રવેશ અને સરકારી નોકરીઓમાં બિનઅનામત રીતે આર્થિક નબળા વર્ગોને 10 ટકા અનામતનાં લાભ આપવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. સવર્ણોને 10 ટકા અનામતના બિલ પર રાષ્ટ્રપતિની મંજૂરી મળી જતાં જ વિજય રૂપાણીની સરકારે અમલની તુરત જ જાહેરાત કરી છે. આ સાથે જ ગુજરાત આ નિર્ણયનો અમલ કરનારું પહેલું રાજ્ય બનશે.

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે,14મી જાન્યુઆરી 2019ના મકરસંક્રાંતિથી રાજ્યમાં ઉચ્ચ શિક્ષણ અને સરકારી નોકરીઓમાં બિનઅનામત રીતે આર્થિક રીતે નબળા વર્ગને 10 ટકા અનામતનો લાભ મળતો થશે. આ હેતુથી 14મી જાન્યુઆરી પછી રાજ્યમાં મળવાપાત્ર શૈક્ષણિક પ્રવેશ અને સરકારી નોકરીઓની જાહેરાત થઈ હોય પરંતુ ભરતી માટેના કોઈ તબક્કાની પ્રક્રિયા શરૂ ન થઈ હોય તેને આ લાભ મળવાપાત્ર થશે. આવી ભરતી અને પ્રવેશ હાલ સ્થગિત રાખીને તેમાં પણ 10 ટકા અનામતનો લાભ અપાશે.

રાજ્યના મુખ્યમંત્રી રૂપાણીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરકારના બિનઅનામતને 10 ટકા અનામતના ઐતિહાસિક નિર્ણયને સૌપ્રથમ પ્રતિસાદ આપતાં સામાજિક સમરસતાને પુષ્ટિરૂપ નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારનું કહેવું છે કે, દેશના બંધારણના માર્ગદર્શક સિદ્ધાંતોના આર્ટિકલ 15 અને આર્ટિકલ 16માં સુધારો કરીને એસસી-એસટી-એસઈબીસી જાતિઓની સાથે આર્થિક રીતે નબળા વર્ગોમાં આવતી બિનઅનામત જાતિઓનો ઉમેરો કરીને તેમને પણ અનામતનો કેન્દ્ર સરકારે બંધારણીય અધિકાર આપ્યો છે, બંધારણમાં મૂળભૂત અધિકારોમાં કરાયેલા આ સુધારાને લીધે કેન્દ્રીય સ્તરે 10 ટકા સુધી અનામત દાખલ કરવાની ભારત સરકારને અને રાજ્ય સ્તરે પણ 10 ટકા સુધી અનામત દાખલ કરવાની સત્તા રાજ્ય સરકારને મળે છે. આમ આ બંધારણીય સુધારાથી ગુજરાત સરકારને મળેલી સત્તાને આધારે શિક્ષણ અને નોકરીમાં બિનઅનામત આર્થિક રીતે નબળા વર્ગો માટે 10 ટકા અનામત આપવાનો મહત્ત્વનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે.

LEAVE A REPLY