Connect Gujarat
ગુજરાત

ગુજરાતી લોક ગીત/સંગીતમાં ડાંગના દાદાનો ડંકો:સંગીત સીતારે નામના કાર્યક્રમમાં ૪૦ પ્લસ કેટેગરીમાં મેળવ્યુ ફર્સ્ટ પ્રાઇઝ

ગુજરાતી લોક ગીત/સંગીતમાં ડાંગના દાદાનો ડંકો:સંગીત સીતારે નામના કાર્યક્રમમાં ૪૦ પ્લસ કેટેગરીમાં મેળવ્યુ ફર્સ્ટ પ્રાઇઝ
X

ગુજરાતના દિગ્ગજ કલાકાર,કસબીઓએ દાદાને આપી દાદ ૬૧ વર્ષિય દાદા બન્યા યુવાનો માટે દીવાદાંડી

સ્વયંમા રહેલી કળા, કૌશલ્ય, અને આવડતને ઉંમર સાથે કોઇ જ લેવાદેવા નથી. સખત પરિશ્રમ, અને નિયત લક્ષ તરફ શ્રદ્ધાપૂર્વક આગળ વધવામાં આવે, તો ગમે ત્યારે સફળતા મળે જ છે. તે વાત, ડાંગના ૬૧ વર્ષિય બુઝુર્ગ કલાકારે સાબિત કરી બતાવી છે.

મૂળ સૌરાષ્ટ્રના પણ વનવાસી ડાંગ જિલ્લાને તેમની કર્મભૂમિ બનાવનારા ત્રિભોવનદાસ પરમાર કે જેમને આજની યુવાપેઢી દાદાના હુલામણાં નામથી ઓળખે છે, તેમણે તેમના લોકસાહિત્ય, અને લોકગીત, સંગીતના વારસામાં મળેલા શોખને, જીવનભર જીવંત રાખી, ઉંમરના આ પડાવ ઉપર પહોંચીને,મનને ટાઢક વળે તેવી સફળતા મેળવી, અન્યોને માટે પ્રેરણા પુરી પાડી છે.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="95649,95650,95651,95652,95653"]

સૌરાષ્ટ્રના એક નાનકડા પરગણાંમાથી પેટીયુ રળવા માટે સપરિવાર પહેરેલે લૂગડે ડાંગમાં આવીને, કાળી મજૂરી કરી પરિવાનું ગુજરાન ચલાવવા સાથે,તેમને ગળથૂથીમાંથી જ મળેલા લોક સાહિત્ય, લોકગીત, સંગીતના સંસ્કારને પોષતા રહી, આજે ગુજરાતના દિગ્ગજ કહી શકાય તેવા કલાકાર, કસબીઓ કીર્તિદાન ગઢવી, ભાવિન શાસ્ત્રી, મિતાલી મહંત, તથા કેતૂલ પટેલની અગ્નિપરીક્ષામાંથી પાસ થઇને, તેમના હસ્તે માન સન્માન, અને ઇનામ અકરામ પ્રાપ્ત કરવાનું તેમણે સૌભાગ્ય સાંપડયું છે.

તાજેતરમાં વલસાડના વશિયર સ્થિત શ્રીપાર્ટી પ્લોટ ઉપર સાંજના પ વાગ્યાથી મોડી રાત્રિના ૩ વાગ્યા સુધી ચાલેલા એક કાર્યક્રમમા જુદી જુદી કેટેગરીમા કુલ પાંચ પારિતોષિકો એનાયત કરાયા હતા. ગ્લોબલ ઇવેન્ટના ઓર્ગેનાઇઝર ડૉ.બિનિતા પટેલ દ્વારા આયોજિત સંગીત સીતારે (ફર્સ્ટ સીઝન)ના આ સંગીતસભર કાર્યક્રમમાં, સંગીતા રસિયા પ્રેક્ષકોના માનવ મહેરામણ ઉમટયુ હતું. આ ગ્રાન્ડ ફિનાલે (લોક ગીત/સંગીત, લોક સાહિત્ય, ગુજરાતી/હિન્દી ફિલ્મી ગીતો, ભજન, ગઝલ, નઝમ) એ અહીં લાઇવ કોન્સર્ટનું રૂપ લીધુ હતું. ગીત, સંગીત અને રોશનીની ઝાકમઝોળ વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમમાં ડાંગના દાદાએ રૂા.ર૧ હજારનાં રોકડ પારિતોષિક સહિત શીલ્ડ, અને પ્રમાણપત્ર દિગ્ગજ કલાકારોના હસ્તે સ્વીકારતા તેમની તપશ્ચર્યા પૂર્ણ થઇ હોવાનો ભાવ વ્યક્ત કર્યો હતો.

ઉલ્લેખનિય છે કે, સંગીત સીતારે (ફર્સ્ટ સીઝન) માટે સૌ પ્રથમ બારડોલીના ઉકા-તરસાડીયા ખાતે ફર્સ્ટ ઓડિશન યોજાયુ હતું. જેમાં ૬૫૬ કલાકાર, કસબીઓએ ભાગ લીધો હતો. જે પૈકી સેકન્ડ ઓડિશન (મોગા ઓડિશન) માટે ૨૫૦ લોકોની પસંદગી કરવામાં આવી હતી. વલસાડ ખાતે યોજાયેલા આ સેકન્ડ ઓડિશન બાદ, ર૯ કલાકારોની ગ્રાન્ડ ફિનાલે માટે પસંદગી થવા પામી હતી. જે પૈકી ૪૦ પ્લસ કેટેગરીમાં ડાંગના દાદાએ અન્ય ચાર કલાકારો સાથે ફાઇનલનું રંગમંચ ગજવ્યુ હતું.

આમ અછત, અને અભાવના સતત રોદણાં રડતા લોકો માટે ડાંગના દાદા દીવાદાંડી બનીને પ્રેરણા આપી રહ્યાં છે. ત્યારે કોઇક કવિએ સાચુ જ કહ્યું છે કે, કદમ હો અસ્થિર તેને રસ્તો જડતો નથી..!, અને અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી.

Next Story