Connect Gujarat
દેશ

ચંદ્રયાન-2 સાથે સંપર્ક તૂટવા પર વડાપ્રધાન મોદીએ કર્યું દેશવાસીઓને સંબોધન

ચંદ્રયાન-2 સાથે સંપર્ક તૂટવા પર વડાપ્રધાન મોદીએ કર્યું દેશવાસીઓને સંબોધન
X

ભારત અંતરિક્ષમાં ઈતિહાસ રચવાની નજીક હતું, ત્યારે ચંદ્રની સપાટીથી માત્ર 2.1 કિમી ઉપર ચંદ્રયાન-2નો ઈસરો સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 8 વાગ્યે ઈસરોના સેન્ટર પહોંચ્યા હતા અને દેશવાસીઓને સંબોધન કર્યું હતું. વૈજ્ઞાનિકોનો ઉત્સાહ વધારતા નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ભલે આજે અવરોધો આવ્યા હોય પણ તેનાથી આપણો ઉત્સાહ અને હિંમત નબળી પડી નથી પરંતુ તેમાં વધારો થયો છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, આખો દેશ તમારી સાથે છે અને ગર્વ અનુભવી રહ્યો છે.

નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, હું ગઈ કાલ રાત્રે તમારી મનઃ સ્થિતિને સમજતો હતો. તમારી આંખો ઘણું બધું કહેતી હતી. તમારાં ચહેરાની ઉદાસીને હું વાંચી શકતો હતો. હું ત્યારે તમારી સાથે વધારે સમય ન રોકાયો. તમે ઘણી રાતોથી જાગો છો. તેમ છતાં મારું મન કરતું હતું કે, એકવાર ફરી તમને સવારે બોલાવું તમારી સાથે વાત કરું. આ મિશન સાથે જોડાયેલી દરેક વ્યક્તિ એક અલગ અવસ્થામાં હતી. કેટલાક કલાકો માટે સમગ્ર દેશ ચિંતિત હતો. દરેક આપણા વૈજ્ઞાનિકોની સાથે ઊભા છે. અમને આપણા અંતરિક્ષ કાર્યક્રમ અને વૈજ્ઞાનિકો પર ગર્વ છે. તેમની અથાગ મહેનત અને દૃઢ સંકલ્પે આપણા નાગરિકો ઉપરાંત અન્ય દેશ માટે પણ એક સારું જીવન સુનિશ્ચિત કર્યુ છે. દરેક મુશ્કેલી, સંઘર્ષ આપણને કંઈક નવું શીખવે છે. કેટલાક નવા આવિષ્કાર, નવી ટેક્નોલોજી માટે પ્રેરિત કરે છે અને તેનાથી જ આપણી આગળની સફળતા નક્કી થતી હોય છે. જ્ઞાનનો કોઇ સૌથી મોટો શિક્ષક છે તો તે વિજ્ઞાન છે. વિજ્ઞાનમાં નિષ્ફળતા નથી હોતી, માત્ર પ્રયોગ અને પ્રયત્નો હોય છે. હું તમામ વૈજ્ઞાનિકોના પરિવારને પણ સલામ કરું છું. તેમનું ઘણું મહત્વપૂર્ણ સમર્થન તમારી સાથે રહ્યું. આપણે નિષ્ફળ થઇ શકીએ છીએ, પરંતુ તેનાથી આપણા જુસ્સા અને ઉત્સાહમાં ઘટાડો નથી થયો. આપણે સંપૂર્ણ ક્ષમતા સાથે આગળ વધીશું.

Next Story