Connect Gujarat

જાણો કઈ રીતે હરશે તમારા તમામ દુ:ખ મા કૃષ્માંડા

જાણો કઈ રીતે હરશે તમારા તમામ દુ:ખ મા કૃષ્માંડા
X

આસો સુદ ચોથ અેટલે કે શારદિય નવરાત્રીનું ચોથુ નોરતુ. છેલ્લા ત્રણ દિવસથી માઈ ભક્તો આધશક્તિની ઉપાસના કરી રહ્યા છે. ત્યારે ચોથા નોરતા ક્યા દેવીનું પુજન કરવામાં આવે છે. તેમજ કઈ રીતે તેની કૃપા મેળવી શકાય છે, તેમજ માતાજીને શેનો ભોગ લગાવવો જોઈએ તે અંગે શાસ્ત્રી અસીતભાઈ જાનીએ કનેકટ ગુજરાત સાથેની વાતચીતમાં રસપ્રદ માહિતી આપી હતી.

કૃષ્માંડા શબ્દનો અર્થ અને મહિમા :

આસો નવરાત્રીનાં ચોથા નોરતે પૌરાણિક શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે કૃષ્માંડા દેવી નવદુર્ગાનું ચોથુ સ્વરુપ છે. નવરાત્રીનાં ચોથા દિવસે મા કૃષ્માંડાની ઉપાસના કરવામાં આવે છે. કૃષ્માંડા દેવીનાં નામનો અર્થ કુત્સિત ઉષ્મા, કૃષ્મા ત્રિવિધ તાપયુક્ત એવો અર્થ થાય છે. જ્યારે કૃષ્માંડા દેવીનો બિજો અર્થ કૃ-ઉષ્મા-અંડ એટલે કે નાનુ ગરમ અંડ એવો પણ અર્થ થાય છે. અર્થાત તેઓ બ્રહ્માંડનાં રચયિતા મનાય છે. અન્ય એક અર્થ એવો પણ મનાય છે જેમ કે આખુ જગત જેના ઉદરમાં છે તેવી દેવી એટલે કૃષ્માંડા. કૃષ્માંડા દેવીને કોળાનો ભોગ પસંદ છે. કૃષ્માંડા દેવી સુર્યને દિશા અને ઉર્જા પ્રદાન કરે છે, તેમજ સુર્ય દેવનાં આદેશને અનુસાર જ ચાલે છે.

કેવુ છે મા કૃષ્માંડાનુ સ્વરૂપ :

કૃષ્માંડા દેવીને આઠ ભુજાઓ છે. જેમાં તેમણે કમંડળ, ધનુષ, બાણ, કમળ, અમૃત્મય કળશ, માળા, ગદા અને ચક્ર ધારણ કરેલ છે. તેમનું વાહન વાઘ છે. શાસ્ત્ર પ્રમાણે માના મધુર કાસ્યથી બ્રહ્માંડની ઉત્ત્પત્તિ થયા હોવાનું માનવામાં આવે છે. તેમની આરાધનાથી મનુષ્યોની બઘી વિપતિઓનો નાશ થાય છે. તેમજ ધન ધાન્ય સંતાન સિધ્ધી નિધી પ્રાપ્ત થાય છે.

ચોથા દિવસે સાધક ક્યા ચક્રમાં પોતાનું મન કરે છે સ્થિર :

શારદિય નવરાત્રીનાં ચોથા દિવસે સાધક પોતાનું મન અનાહત ચક્રમાં સ્થિર કરે છે. તે દિવસે સાધકે અત્યંત પવિત્ર અને ચંચળ થયા વગર એકાગ્રતાથી કૃષ્માંડા દેવીના સ્વરૂપને ધ્યાનમાં રાખીને પુજા ઉપાસના કરવી જોઈએ. શાસ્ત્રોમાં દેવી કૃષ્માંડાનું ધ્યાન ધરવા માટે શ્લોક કંઈક આ પ્રમાણે છે.

सुरासम्पूर्णकलशं रूधिराप्लुतमेव च।

दधानाहस्तपद्याभ्यां कुष्माण्डा शुभदास्तु मे॥

નૈવેધ તરીકે શું ભોગ ધરાવવો :

આ મંત્રની નવ માળા કરવી બ્રાહ્મણ પાસે મહાપુજા કરાવવી તેમજ ચંડિપાઠ કરાવવો. નવાર્ણ મંત્રનો જાપ કરવો ત્યારબાદ સુહાગન સ્ત્રીને વિધિવત ભોજન કરાવવું તે પછી ફળ સુકો મેવો, વસ્ત્ર શણગાર દક્ષિણા ભેટ આપવી. આમ કરવાથી માતાજી અતિ પ્રસંન્ન થાય છે તેમજ ભક્તને મનવાંછિત ફળની પ્રાપ્તિ પણ થાય છે. કૃષ્માંડા દેવીની પુજામાં નૈવેધ સ્થાને માલપુવાનો ભોગ ધરાવવામાં આવે છે. જે ભક્ત મા ને માલપુવાનો ભોગ ધરાવી તે પ્રસાદને ગ્રહણ કરે છે. તેની બુધ્ધિનો વિકાસ અને નિર્ણય શક્તિમાં વધારો થાય છે.

કૃષ્માંડા દેવીની ઉપાસના થી શું થાય છે પ્રાપ્ત :

કૃષ્માંડા દેવીની ઉપાસના થી ભક્તોને બઘાજ રોગ શોક માંથી મુક્તિ મળે છે. તેમજ આયુષ્ય, યશ, કીર્તિ, બળ અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે. મા ભગવતી સેવા અને પુજાથી પ્રસન્ન થાય છે. જે મનુષ્ય સાચા હૃદયથી મા નાં શરણમાં જાય તે પરમ પદને પ્રાપ્ત થાય છે. કૃષ્માંડા દેવીનું મંદિર સંઘશ્રી કાલીઘાટ કોલકતામાં આવેલુ છે.

Next Story