Top
Connect Gujarat

જાણો શું છે નવરાત્રીનું મહત્ત્વ અને ઘટ સ્થાપનની રીત

જાણો શું છે નવરાત્રીનું મહત્ત્વ અને ઘટ સ્થાપનની રીત
X

આધ્યશક્તિની આરાધનાનું પર્વ એટલે નવરાત્રી. માતાજીની ભક્તિ અને આરાધનાં પર્વમાં ભક્તો પૂજન અર્ચન અંગે મુંજવણ અનુભવતા હોય છે. અને ઉત્સવ નિમિતે માતાજીનું ઘટ સ્થાપન, કુમારીકા તેમજ માતાજીનાં પૂજન અંગેની રસપ્રદ માહિતી રાજકોટનાં શાસ્ત્રીજી અસીતભાઈ જાનીએ આપી હતી.

કનેકટ ગુજરાત સાથેની વાતચીતમાં શાસ્ત્રી અસીતભાઈ જાનીએ જણાવ્યુ હતુ કે વર્ષમાં બાર નવરાત્રી આવતી હોય છે. તેમાં પણ દેવી ભાગવતનાં મત પ્રમાણે ચાર નવરાત્રીનું વિશેષ મહત્ત્વ રહેલુ છે. આસો માસની નવરાત્રી, મહામાસની નવરાત્રી, ચૈત્ર માસની નવરાત્રી તેમજ અષાઢ માસની નવરાત્રીનું વિશેષ મહત્ત્વ છે. આ ચાર નવરાત્રીનું મહત્ત્વ અલગ અલગ રાજ્યોમાં વિશેષ જોવા મળે છે. જેમ કે આસો માસની નવરાત્રીનું મહત્ત્વ ગુજરાતમાં વધુ જોવા મળે છે. તો ઉત્તર ભારતમાં ચૈત્રી નવરાત્રીનું મહત્ત્વ વધુ જોવા મળે છે. જ્યારે કામરૂખ પ્રદેશમાં અષાઢ માસની નવરાત્રીનું મહત્ત્વ છે. તેમાં પણ આસો નવરાત્રી અને ચૈત્ર નવરાત્રીને વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે.

ચંડિ પાઠ મુજબ શું છે શારદિય નવરાત્રીનું મહત્ત્વ :

शरत्काले महापूजा क्रियते या च वार्षिकी ।

तस्यां ममैतन्माहात्म्यं श्रुत्वा भक्तिसमन्वितः

અર્થાત શરદ ઋુતુનાં પ્રારંભમાં આસો માસમાં જે કોઈ પણ મનુષ્ય મનવાંછિત કામનાઓથી પુજા ભક્તિ કરે કે બ્રાહ્મણ, સાધુ, સાધકો, યતિઓ વિશ્વ શાંતિ માટે મહામારી રોગોનાં સમન માટે કે મુક્તિ કે આત્મ શાંતિ માટે ભક્તિ પુજા અનુષ્ઠાન કે સાધના કરે છે. તે ફળ અપાવનારી રહેશે. આસો નવરાત્રીમાં નવદુર્ગા પુજા તેમજ મંત્ર જાપ અને સ્થાપના વિશે વાત કરીએ તો શારદિય નવરાત્રીનો 21 સપ્ટેમ્બર 2017 ગુરૂવારના રોજથી પ્રારંભ થાય છે. મા જગદંબાની નવ દિવસની પુજા અર્ચના નવદુર્ગાની આરાઘના પ્રાચિન માન્યતા પ્રમાણે નવ દિવસ -

(1) શૈલપુત્રી

(2) બ્રહ્મચારણી

(3) ચંદ્રઘંટા

(4) કુષ્માંડા

(5) સ્કંદ માતા

(6) કાત્યાયની

(7) કાલરાત્રી

(8) મહાગૌરી

(9) સિધ્ધદાત્રી

આમ, નવ શક્તિ સ્વરૂપે નવદુર્ગાની આરાધના કરવામાં આવે છે.

કેવી રીતે કરી શકાય ઘટ સ્થાપન :

માતાજીનું ઘટ સ્થાપન (ગરબાનું ઘટ સ્થાપન) આસો સુદ એકમને ગુરૂવારે હસ્ત નક્ષત્ર યુક્ત શુભદિવસે સવારે જે સ્થાનમાં ઘટ સ્થાપન અને માતાજીનું સ્થાપન કરવાનું છે. તે સ્થાનમાં ગૌમુત્ર, ગંગાજળનો છંટકાવ કરી ગાયના છાણથી લેપ કરી શુધ્ધ માટી (નદિ કિનારાની માટી) પધરાવી તેમાં સાત ધાન જવેરા વાવવા માટે પધરાવવા જેને વેદી તૈયાર કરી કહેવાય. ઘટ સ્થાપન માટે સોના ચાંદી કે ત્રાંબાનો કળશ અથવા શક્તિ પ્રમાણે માટીનો કુંભ લાવી બ્રાહ્મણને આમંત્રીત કરી સ્થાપન કરવુ તેમાં ગંગાજળ, શુધ્ધ પાણી, સોપારી, પૈસો, મગ, ચોખા, અત્તર, ફુલ, દુર્વા, પંચ પલ્લવ પધરાવવા તેના પર માટીનું કોડિયુ ઢાંકવુ. તેમાં ચોખા ભરવા તેના પર શ્રીફળને શણગારી કુંભ પર સ્થાપન કરવુ. ત્યારબાદ કુંભને ચારે તરફ સાથિયા થી શણગારવુ તેમજ મા દુર્ગાની મુર્તિનુ સ્થાપન કરવુ ન હોય તો માતાજીનો ફોટો પણ રાખી શકાય. ત્યાર બાદ અખંડ દિવો કરવો ભક્તિ ભાવથી બ્રાહ્મણ પાસે માતાજીની સ્થાપના કરાવવી રોજ નવ દિવસ સવારે અને સંધ્યા સમયે ગરબામાં દિવો કરવો અને ગુગળનો ધુપ કરવો ગરબા ગાઈ માતાજીની કૃપા મેળવવી.

નવરાત્રી અંતર્ગત રોજ બ્રાહ્મણને બોલાવી ચંડિપાઠ કરાવવા તેમજ સોડશોપચાર, રાજોપચાર આવરણ પુજા, અંગ પુજા કરવી તેમજ ॐ ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चे।। મંત્રના જાપ કરી દેવી કૃપા પ્રાપ્ત કરી મનવાંછિત ફળ મેળવી શકાય. આમ, નવ દિવસ આ પ્રકારે પુજન અર્ચન અને જપ કરવાથી મનુષ્ય તાપ, પાપ માંથી મુક્તિ મેળવે છે. તેમજ ધન ધાન્યથી સમૃધ્ધ થાય છે તો સાથે માન સન્માન સિધ્ધી તેમજ પ્રસિધ્ધી પણ મેળવે છે.

કુમારીકા પુજનનું છે વિશેષ મહત્ત્વ :

નવરાત્રી અંતર્ગત કુમારીકા પુજનનું વિશેષ મહત્ત્વ રહેલુ છે. આઠમ કે નૌમના દિવસે ત્રણ વર્ષથી શરૂ કરી નવ વર્ષ સુધીની કુમારીકાનું પુજન કરવુ તેમજ એક બટુકનું પુજન કરવુ જોઈએ. કુમારીકાને ભોજન તેમજ શણગાર, વસ્ત્ર, ફુલહાર, તિલક કરી પુજા કરવી જોઈએ. આમ, કરવાથી મનુષ્યને માતાજીની કૃપા તેમજ સમસ્ત સુખોની પ્રાપ્તિ થાય છે.

ક્યા શુભ ચોઘડિયે કરી શકાય ઘટ સ્થાપન :

આ વર્ષે આસો સુદ એકમને ગુરૂવાર તારીખ 21 સપ્ટેમ્બર 2017ના શુભ દિવસે શારદિય નવરાત્રીમાં માતાજીના ઘટ સ્થાપનના મુર્હુત જોવા જઈએ તો..

1) સવારે 6.36 થી 8.07 કલાક સુધી

2) સવારે 11.09 થી 12.40 કલાક સુધી

3) બપોરે 12.40 થી 14.11 કલાક સુધી માતાજીનું ઘટ સ્થાપન કરવા માટેના શુભ સમય રહેલ છે.

Next Story
Share it