જામનગર : ઉંડ ડેમ-1 છલકાઇ જતાં પીવાના પાણીની સમસ્યાનો અંત

જામનગરમાં મેઘરાજાની મહેર થતાં સમગ્ર જિલ્લના જળાશયો ચેકડેમ અને તળાવો ઓવર ફ્લો થઈ રહ્યા છે. જિલ્લાના મહત્વનાજળાશયો પૈકીનો ડેમ ઉંડ ડેમ-1 ઓવર ફ્લો થતાં તંત્રને ડેમના દરવાજાઓ ખોલવાની ફરજ પડી હતી. ઉંડ ડેમ-1 સિંચાઇ અને પીવાના પાણી માટે મહત્વનો ડેમ હોવાથી આ ડેમ ઓવર ફલો થતાં સર્વત્ર ખુશીની લહેર જોવા મળી રહી છે.
જામનગર જીલામાં ઉંડ ડેમ-1 ઓવર ફ્લો થતાં ડેમ પર પાણી પુરવઠા બોર્ડ તેમજ મહાનગર પાલિકા અને સિંચાઇ વિભાગના અધિકારીઓ સાવચેતીના ભાગ રૂપે દોડી ગયા હતા. અધિકારીઓએ ડેમની પાણીની આવકનું નિરીક્ષણ કર્યું હતું. જામનગર શહેરને પીવાનું પાણી પૂરું પાડતો ઉંડ ડેમ-1 ઓવર ફ્લો થતાં જામનગર શહેરની પીવાના પાણીની સમસ્યા દૂર થઈ ગઈ છે,સાથો સાથ ઉંડ ડેમના પાણીના જથ્થાનો સિંચાઇ માટે પણ ઉપયોગ કરવામાં આવતો હોય જેનાથી ડેમની આજુબાજુના 21ગામોને ડેમ ઓવર ફ્લો થતાં આગામી એક વર્ષ સુધી ખેતી માટે તેમજ પીવાનું પાણી ઉપલબ્ધ થઈ ગયું છે, જેના કારણે ખેડૂતો અને જામનગરના શહેરીજનો આનંદ અનુભવી રહ્યા છે.