Connect Gujarat
ગુજરાત

જૈન મુનિ તરુણ સાગર મહારાજની હાલત નાજુક, ખોરાકમાં કર્યો ઘટાડો...!

જૈન મુનિ તરુણ સાગર મહારાજની હાલત નાજુક, ખોરાકમાં કર્યો ઘટાડો...!
X

ડોક્ટર્સે જણાવ્યું કે ૨૦ દિવસ પહેલા કમળાની અસર દેખાતા તરુણ સાગર મહારાજને મૈક્સ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા

જાણીતા જૈન મુનિ તરુણ સાગર મહારાજની હાલત નાજુક થઇ છે. દિલ્હીની મૈક્સ હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેમના સ્વાસ્થ્યમાં કોઈ સુધારો નથી થઈ રહ્યો. ડોક્ટર્સે જણાવ્યું કે ૨૦ દિવસ પહેલા કમળાની અસર દેખાતા તરુણ સાગર મહારાજને મૈક્સ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. પરંતુ સારવાર બાદ પણ તેમના સ્વાસ્થ્યમાં કોઈ સુધારો જોવા નથી મળી રહ્યો.

બુધવારે તેમણે વધુ સારવાર કરાવવાની ના પાડી દીધી હતી અને તેઓ પોતાના અનુયાયીઓ સાથે ગુરુવારે સાંજે કૃષ્ણાનગર (દિલ્હી) સ્થિત રાધાપુરી જૈન મંદિર ચાતુર્માસ સ્થળે આવી પહોંચ્યા હતા. દિલ્હી જૈન સમાજના અધ્યક્ષ ચક્રેશ જૈને કરેલા નિવેદનમાં જણાવ્યું છે કે તરુણ સાગર પોતાના ગુરુ પુષ્પદંત સાગર મહારાજની સ્વીકૃતિ બાદ સંથારો લઈ રહ્યાં છે.

તરુણ સાગર મહારાજના પ્રવચનોનું ટીવી પ્રસારણ પણ થાય છે. તેઓ પોતાના પ્રવચનોના કારણે અનેક વખત વિવાદોમાં રહ્યાં છે. હાલમાં જ તેમણે સરકારને બે બાળકોના નિયમને લાગુ કરવાનો આગ્રહ કર્યો હતો. તેમણે મીડિયાને જણાવ્યું હતું કે બેથી વધુ બાળકો ધરાવતા દરેક વ્યક્તિ વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ. તેમણે જણાવ્યું કે આ નીતિ તમામ જાતિ અને ધર્મના લોકો પર લાગુ થવી જોઈએ.

આ ઉપરાંત હરિયાણા વિધાનસભામાં પણ તેમના પ્રવચનને લઇને ઘણો વિવાદ થયો હતો. ત્યારબાદ સંગીતકાર વિશાલ દદલાનીની ટિપ્પણી પણ ચર્ચામાં આવ્યા બાદ વિશાલે માફી માંગવી પડી હતી. મધ્યપ્રદેશ સરકારે ૬ ફેબ્રુઆરી ૨૦૦૨ના રોજ તેમને રાજકીય અતિથિનો દરજ્જો આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે તરૂણ સાગરનું અસલી નામ પવન કુમાર જૈન છે. તેમનો જન્મ ૨૬ જૂન ૧૯૬૭ના રોજ મધ્યપ્રદેશના દામોહ જિલ્લામાં ગુહજી ગામમાં થયો હતો. તેમની માતાનું નામ શાંતિબાઇ અને પિતાનું નામ પ્રતાપ ચંદ્ર હતું. તેમણે ૮ માર્ચ ૧૯૮૧ના રોજ ઘર-સંસારનો ત્યાગ કરી સંન્યાસ ધારણ કર્યો હતો.

સંથારા શું હોય છે?

જૈન ધર્મમાં સંથારાની પ્રક્રિયા હોય છે. આ પ્રક્રિયા વૃદ્ધ લોકો અપનાવે છે. તેમાં જ્યારે માણસને આભાસ હોય કે તેમનું મૃત્યુ નજીક છે તો તે ખાવા પીવાનો ત્યાગ કરે છે. જૈન ધર્મના શાસ્ત્રો મુજબ ઉપવાસ દ્વારા મોતને પ્રાપ્ત કરવાની પ્રક્રિયા છે. જૈન ધર્મમાં તેને મોક્ષ પ્રાપ્ત કરવાની પ્રક્રિયા કહેવાય છે. જો કે કોર્ટે તેના પર પ્રતિબંધ મૂક્યો છે. રાજસ્થાન હાઈકોર્ટે વર્ષ ૨૦૧૫માં તેને આત્મહત્યા જેવા અપરાધની શ્રેણીમાં રાખ્યો છે. તેને અપનાવનારા વિરુદ્ધ ઈન્ડિયન પીનલ કોડ ૩૦૬ અને ૩૦૯ હેઠળ કાર્યવાહીની પ્રક્રિયા થાય છે. હાલ જો કે આ મામલો સુપ્રીમ કોર્ટમાં વિચારણા હેઠળ છે.

Next Story
Share it