• દેશની એકતા,અખંડિતતા તથા સાર્વભૌમિકતા માટે સરદાર વલ્લભભાઇ પટેલના કાર્યો ભારતીય ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થયેલ છે-ઝારખંડના રાજ્યપાલ શ્રીમતી દ્રૌપદી મુર્મુ.
  • રાજ્યપાલે સ્ટેચ્યુ ઓફ યુનિટી,વેલી ઓફ ફ્લાવર્સ અને નર્મદા ડેમની લીધેલી મુલાકાત.

ઝારખંડના રાજ્યપાલ આદરણીય શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે કેવડીયા કોલોની ખાતે સ્થાપિત સરદાર સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની સંલગ્ન વેલી ઓફ ફ્લાવર્સ સહિતના વિવિધ આકર્ષણોની મુલાકાત લઇ ધન્યતાનો ભાવ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ તેમણે નર્મદા ડેમની પણ મુલાકાત લઇ નિરીક્ષણ કર્યું હતું.

રાજ્યપાલ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત દરમિયાન મ્યુઝીયમમાં સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબના જીવન કવન વિશે પ્રદર્શિત કરાયેલ તસ્વીરી પ્રદર્શન પણ નિહાળ્યું હતું. ત્યારબાદ તેઓશ્રીએ વેલી ઓફ ફ્લાવર્સનો સુંદર નજારો નિહાળી પ્રફુલ્લિત થયા હતાં.

વેલી ઓફ ફ્લાવર્સની મુલાકાત દરમિયાન નાયબ વન સંરક્ષક પ્રતિક પંડ્યાએ વેલી ઓફ ફ્લાવર્સ ઉપરાંત ભારત વનની જાણકારી વિશે પણ રાજ્યપાલ શ્રીમતી મુર્મુને માહિતગાર કર્યા હતાં.

રાજ્યપાલ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થળે વિવિધ વિભાગોની મુલાકાત દરમિયાન અતિવિરાટ સરદાર સાહેબની વિરાટ પ્રતિમાના ચરણોમાં પુષ્પાર્પણ કરી રાષ્ટ્રના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની ભાવવંદના કરી હતી. તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી ખાતેથી માતા નર્મદા અને વિદ્યાંચલ-સાતપુડાની ગિરિમાળાઓના દર્શન સાથે પ્રાકૃતિક સૌદર્યનો નજારો માણ્યો હતો અને મા નર્મદાના દર્શનથી-પવિત્રતાની અલૌકિક ઉંચાઇએ પહોંચ્યાની અનુભૂતિ પણ કરી હતી.

રાજ્યપાલ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત દરમિયાન ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઇ પટેલને શત્-શત્ વંદન કરતાં તેમની અભિપ્રાય નોંધમાં નોંધ્યુ હતું કે, દેશની એકતા, અખંડિતતા તથા સાર્વભૌમિકતા માટે સરદાર વલ્લભભાઇ પટેલ દ્વારા થયેલા કાર્યો ભારતીય ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકીત થયેલ છે. તેમના ચરણોમાં પુષ્પાંજલી સમર્પિત કરીને પોતે ધન્યતાની લાગણી અનુભવી રહ્યાં હોવાનું ઉમેર્યું હતું.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની આ મુલાકાત દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ કલેક્ટરશ્રી એન.કે. દુબે અને નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી બ્રહ્મભટ્ટે સ્ટેચ્યુ ઓફ યુનિટીના આ સમગ્ર પ્રોજેક્ટ તેમજ વિશ્વની અન્ય વિરાટ પ્રતિમાઓની સરખામણીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિરાટતત્વની ઝીણવટસભર જાણકારી આપવાની સાથે તેમણે તોફાની પવનો, ઝંઝાવાતો, મોટા ધરતીકંપો સામે આ પ્રતિમાને રક્ષણ આપતી ઇજનેરી વ્યવસ્થાઓની માહિતી પણ પુરી પાડી હતી.

નર્મદા ડેમ સાઇટ ખાતે એ ફ્રેમની મુલાકાત દરમિયાન કાર્યપાલક ઇજનેરશ્રી એ.વી ગજ્જરે રાજ્યપાલ શ્રીમતી મુર્મુને ડેમ વિશે જાણકારી આપતાં જણાવ્યું હતું કે, કોન્ક્રીટ જથ્થાની દ્રષ્ટીએ નર્મદા ડેમ હાલમાં વિશ્વમાં દ્વિતિય ક્રમે છે. ૭૩.૨૦ લાખ ઘનમીટર કોન્ક્રીટ આ ડેમમાં નાખવામાં આવ્યો છે, જેના કારણે એમરિકાના ગ્રાન્ડ કુલી ડેમ પછી સમગ્ર વિશ્વમાં દ્વિતિય ક્રમે છે.

આટલા કોન્ક્રીટના જથ્થા વડે અમદાવાદથી બેંગ્લોર સુધીનો ફોરલેન એક્સપ્રેસ વે રોડ બની શકે તેમ જણાવતાં ગજ્જરે ઉમેર્યું હતું કે, દુનિયામાં કુલ- ૩૦ દરવાજા સાથે આ ડેમ તૃતિય ક્રમે છે. ૧ હજાર વર્ષમાં એકવાર ૩૦ લાખ ક્યુસેક પાણી આવે તેમ ગણત્રી કરીને ૩૦ દરવાજા મુક્યાં છે. આના કારણે વિશ્વમાં ૩૦ લાખ ક્યુસેક કેપેસેટી સાથે ત્રીજા નંબરે છે. નહેરોની કુલ લંબાઇનું નેટવર્ક ૭૮ હજાર કિ.મી. કરતાં વધારે છે, જે વિશ્વમાં પ્રથમ ક્રમાંકે ગણાય છે. ભારતીય રેલ્વેનું નેટવર્ક આશરે ૬૭ હજાર કિ.મી. છે, જેના કરતાં સરદાર સરોવરની નહેરોનું નેટવર્ક ઘણું જ મોટું છે. સરદાર સરોવર જ્યારે પૂર્ણ સપાટીએ ભરાશે ત્યારે ૯૫૦૦ મિલીયન ક્યુબીક મીટર પાણી સમાઇ શકશે, જેના કારણે ગુજરાતની ૧૮ લાખ હેક્ટર જમીન અને રાજસ્થાનની ૨.૫ લાખ હેક્ટર જમીનને સિંચાઇ તથા ગુજરાતના ૧૦ હજાર કરતાં વધુ ગામડામાં રહેતા લોકોને પીવાનું પાણી આપી શકાશે.

આ મુલાકાત દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ કલેક્ટર એન.કે. દુબે અને બી.એસ. પટેલ, ડૉ. જનમ ઠાકોર, નાયબ વન સંરક્ષક પ્રતિક પંડ્યા સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

રાજ્યપાલ શ્રીમતી દ્રૌપદી મુર્મુ આજે બપોરે કેવડીયા કોલોની ખાતે આવી પહોંચતા વીવીઆઇપી સરકીટ હાઉસ ખાતે તેમને નર્મદા પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું અને નિવાસી અધિક કલેક્ટર એચ.કે. વ્યાસ, જિલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા સહિત નર્મદા નિગમના અધિક્ષક ઇજનેર આર.જી. કાનુનગો વગેરેએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

LEAVE A REPLY