Top
Connect Gujarat

ડાંગ:હેન્ડપંપના મરામત અને નિભાવણી માટે ગોઠવાઇ વ્યવસ્થા..!

ડાંગ:હેન્ડપંપના મરામત અને નિભાવણી માટે ગોઠવાઇ વ્યવસ્થા..!
X

  • જિલ્લાના જરૂરિયાતમંદ પ્રજાજનોને વધુમાં વધુ લાભ લેવા જિલ્લા પ્રશાસન દ્વારા અનુરોધ
  • જિલ્લામાં કાર્યરત હેન્ડપંપના મરામત અને નિભાવણી માટે પ્રશાસને ગોઠવી સૂચારુ વ્યવસ્થા
  • ફરિયાદ માટે ટેલિફોન નંબર : ૦૨૬૩૧-૨૨૦૩૨૯ તથા મોબાઇલ નંબર : ૯૯૭૮૪ ૪૩૨૭૯ જારી કરાયા

વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા ડુંગરાળ પ્રદેશ એવા ડાંગ જિલ્લામાં ઉનાળા દરમિયાન પાણીની કોઇ વિકટ સમસ્યા ન સર્જાય તે માટે, પાણી પુરવઠા બોર્ડ હસ્તકના જિલ્લામાં આવેલા કુલ ૭૧૪૧ જેટલા હેન્ડપંપને કાર્યરત કરવા સાથે, હેન્ડપંપ મરામત અર્થે કંટ્રોલરૂમ શરૂ કરી તાલુકા તથા જિલ્લા કક્ષાએ ફરિયાદ નોંધણી અને તેના નિકાલની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

ડાંગ કલેક્ટર એન.કે.ડામોરના વડપણ અને માર્ગદર્શન હેઠળ પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઇજનેર સી.એન.પટેલ તથા તેમની ટીમ દ્વારા ચાલુ વર્ષના ઉનાળા દરમિયાન હેન્ડપંપને લગતી કોઇપણ સમસ્યાના ત્વરિત નિવારણ અર્થે, ડાંગ જિલ્લાના ત્રણેય તાલુકાઓ આહવા, વધઇ અને સુબિર સ્થિત તાલુકા પંચાયત કચેરી ખાતે હેન્ડપંપને લગતી ફરિયાદ નોંધાવવા માટે રજીસ્ટરો મુકીને, ફરિયાદ મેળવવાનું શરૂ કરાયુ છે. આ ફરિયાદના ત્વરિત નિરાકરણ માટે તાલુકા દીઠ એક એક એમ ત્રણ જેટલી હેન્ડપંપ રીપેરીંગ માટેની ટીમ તૈનાત કરી, યુદ્ધના ધોરણે આવી ફરિયાદોના નિકાલની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

તાલુકા કક્ષાએ ગોઠવાયેલી વ્યવસ્થાઓ ઉપરાંત જિલ્લા મથક આહવા ખાતે આવેલા જલભવન ખાતે પણ બીજા માળે કાર્યરત યાંત્રિક પેટા વિભાગની કચેરીમાં ફરિયાદ રજીસ્ટર નિભાવવા સાથે ટેલિફોન નંબર : ૦૨૬૩૧-૨૨૦૩૨૯, ને મોબાઇલ નંબર : ૯૯૭૮૪ ૪૩૨૭૯ ઉપર પણ હેન્ડપંપને લગતી ફરિયાદો લેવામાં આવી રહી છે.

ઉલ્લેખનિય છે કે, ઉનાળા દરમિયાન જમીનમાં પાણીના તળ ઊંડા ઉતરી જવાથી કેટલાક હેન્ડપંપ બિનઉપયોગી નિવડે છે, જ્યારે કેટલાક હેન્ડપંપ નાની મોટી યાંત્રિક ક્ષતિને કારણે બગડવા પામતા હોય છે. આવા હેન્ડપંપના મરામત અને નિભાવણી માટે ગોઠવાયેલી આ વ્યવસ્થાનો જિલ્લાના જરૂરિયાતમંદ પ્રજાજનોને વધુમાં વધુ લાભ લેવા જિલ્લા પ્રશાસન દ્વારા અનુરોધ કરાયો છે.

Next Story
Share it