Connect Gujarat
ગુજરાત

તનથી અશકત પણ મનથી સશકત લોકશાહીના સૈનિકો મતદાન કરીને વિશ્વની સૌથી મોટી લોકશાહીને મજબૂત બનાવવા સંકલ્પબધ્ધ

તનથી અશકત પણ મનથી સશકત લોકશાહીના સૈનિકો મતદાન કરીને વિશ્વની સૌથી મોટી લોકશાહીને મજબૂત બનાવવા સંકલ્પબધ્ધ
X

  • મૂકબધિરને સંભળાય છે લોકશાહીનો સાદ અને પ્રજ્ઞાચક્ષુને સૂઝે છે મતદાન મથકનો રાહ
  • નર્મદા જિલ્લામાં મૂકબધિરો- પ્રજ્ઞાચક્ષુઓ- વિકલાંગો સહિતના દિવ્યાંગો કરશે મતાધિકારનો આદરઃ મતદાન કરવા સૌ બન્યા છે તત્પર

રાજપીપલાના મૂકબધિર એવા ૬૦ વર્ષીય વડીલ પ્રેમચરણ ધીરજલાલ પંચાલ કે જેઓ ભાટવાડા હોલી ચકલા પાસે રહે છે અને જન્મથી જ કુદરતના અભિશાપને કારણે ન તો સાંભળી શકે છે, કે ન તો બોલી શકે છે, ઇશારા અને સંકેતો એ જ એમની ભાષા, વાચા અને શ્રવણ શક્તિ. સંકેત ભાષાના જાણકાર દ્વારા તેમને ચૂંટણી અને મતદાનની વાત કરતા તેમના ચહેરા પર રોમાંચભરી ખુશી પ્રસરી જાય છે.

[gallery td_gallery_title_input="તનથી અશકત પણ મનથી સશકત લોકશાહીના સૈનિકો મતદાન કરીને વિશ્વની સૌથી મોટી લોકશાહીને મજબૂત બનાવવા સંકલ્પબધ્ધ" td_select_gallery_slide="slide" size="full" ids="90196,90197,90198,90199,90200,90201,90202,90203,90204,90205"]

પ્રેમચરણ પંચાલ તેમનો અંગૂઠો અને ઠપ્પો મારવાની નિશાની દર્શાવીને આગામી લોકસભા ચૂંટણીમાં મતદાન કરવાની તત્પરતા અને ઉત્સાહ દર્શાવે છે. પોતે મૂકબધિર હોવા છતાં મતાધિકાર મળવાની સાથે જ પ્રારંભથી આજદિન સુધીની તમામ ચૂંટણીઓમાં મતદાન કર્યું છે, ત્યારે તેમની સાંકેતિક ભાષામાં પોતાનાં અન્ય મૂકબધિર સાથીઓ અને આમ જનતાને પણ મતદાન કરવાનો આગ્રહ કરીને મતદાન કરવા સમજાવશે તેમ જણાવી સૌ કોઇને મતદાનમાં ભાગ લેવાની હિમાયત કરી છે.

પ્રેમચરણની જેમ ધોરણ- ૧૨ સુધીનો કોમ્પ્યુટર કોર્ષ સાથે અભ્યાસ કરનાર અને જિલ્લા સમાજ સુરક્ષા વિભાગમાં ડેટા ઓપરેટર તરીકે ફરજ બજાવી સ્વમાનભેર જીવન ગુજારતા શ્રી ઉપેન્દ્ર નવીનચન્દ્ર કટારીયા પણ પ્રેમચરણના ચીલે ચાલતા જાગૃત મતદાર છે. જન્મથી જ મૂકબધિર ઉપેન્દ્રભાઇ ૧૮ વર્ષની ઉંમર થઇ ત્યારથી જ તમામ ચૂંટણીઓમાં સતત મતદાન કરતાં આવ્યાં છે. જાગૃત મતદાર તરીકે તેમની સાંકેતિક ભાષામાં સંદેશો આપતા કહે છે, કે જો હું મૂકબધિર હોવા છતાં અચૂક મતદાન કરીને લોકશાહીનાં જતન અને તેનાં સંવર્ધનમાં અચૂક સહભાગી થતો હોઉં તો આપ સૌ પણ મતદાન કરજો અને બીજાઓને પણ મતદાન કરાવજો તેવી લાગણી સાથે મતદારો જોગ હ્રદયસ્પર્શી અપીલ કરી છે.

નાંદોદ તાલુકાનાં ખામર ગામનાં પ્રજ્ઞાચક્ષુ સુરદાસ રાજેશ વસાવાને અત્યારથી જ જાણે કે બંધ આંખે મતદાન મથકનો રસ્તો સૂઝી રહ્યોં છે. જન્મથી જ તેઓ અંધ છે અને બ્રેઇલ લિપી સાથે તેઓએ ગ્રેજ્યુએશન કર્યું છે. ધ્વનિના માધ્યમ વડે મોબાઇલ ફોન, લેપટોપ, જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ તેઓ બખૂબી કરી રહ્યાં છે. આ અગાઉ પણ બ્રેઇલ લિપીથી તેઓ મતદાન કરી ચૂક્યા છે. સૂરદાસ કહે છે કે, હું પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં પણ બ્રેઇલ લિપીને સહારે લોકતંત્રનાં આ સૌથી મોટા તહેવારમાં ભાગ લઇને મતદાન કરું છું, ત્યારે કોઇપણ જાતની શારિરીક તકલીફ કે અસ્વસ્થ વિનાના સશક્ત મતદારોએ તો મતદાનમાં અવશ્ય ભાગ લઇને એક નાગરિક તરીકે સૌએ નૈતિક ફરજ અદા કરવાનો ધર્મ નિભાવવો જ જોઇએ, તેવુ મંતવ્ય તેમણે સ્પષ્ટ કર્યું હતું.

સુરદાસની જેમ જન્મથી જ દ્રષ્ટીવિહિન ભદામ ગામમાં કૌશિકભાઇ ઘનશ્યામભાઇ પંચાલ પણ તેમને ચાલવામાં ઘણી બધી મુશ્કેલીઓ પડવા છતાં પારીવારિક કે સામાજિક કોઇ પ્રસંગમાં સામાન્ય રીતે હાજરી આપવાનું ટાળ્યું છે. પણ વિશ્વની સૌથી મોટી લોકશાહીની સાથે દેશનાં સૌથી મોટા લોકતંત્રના આ તહેવારની ઉજવણીમાં ભાગ લેવાનું તેઓ ક્યારેય ચૂક્યા નથી. ભૂતકાળમાં દરેક સમયે તેઓએ મતદાન કર્યું છે અને આગામી લોકસભાની ચૂંટણીમાં મતદાન કરવા પણ તેઓ એટલા જ ઉત્સુક અને તત્પર છે. તેવી જ રીતે ખાનગી ITI માં સુપરવાઇઝર તરીકે સેવાઓ આપનાર અને આંખમાં અચાનક બળતરાથી એક આંખ ગુમાવ્યા બાદનાં ચાર વર્ષ પછી બીજી આંખ પણ ગુમાવી દેનાર હિરલકુમાર પ્રવિણભાઇ પટેલનું મનોબળ ખૂબ જ મજબુત છે.

તેઓ કહે છે કે, મારી દ્રષ્ટિ હતી ત્યારે તો હું મતદાન કરતો જ હતો. પરંતુ દ્રષ્ટિ ગુમાવ્યા બાદ પણ મતદાનની પવિત્ર ફરજથી હું ક્યારેય અળગો રહ્યોં નથી. ચૂંટણીનાં આ મહાપર્વના ઉત્સવમાં મારા પિતાજી સાથે દરેક ચૂંટણીમાં મે મતદાન કર્યું છે, ત્યારે આપ સૌ મિત્રો, ભાઇઓ, સ્નેહી-સંબંધીઓને કહું છું કે, આપ સૌ જરૂરથી મતદાન કરીને પવિત્ર ફરજ અદા કરશો તેવો મારો સંદેશ છે. જિલ્લાનાં નાંદોદ તાલુકાનાં સુંદરપુરા ગામનાં વતની શ્રીમતી મનીષાબેન જયંતીભાઇ વસાવા તેમનાં જન્મનાં ૨ વર્ષનાં ગાળામાં કોઇક બીમારને લીધે તેઓ ભલે બંને પગે અપંગતાનો ભોગ બન્યાં છે, પણ આગળ ચાલવામાં જાણે સામાન્ય સશક્ત અને સ્વસ્થ વ્યક્તિને પણ પાછળ પાડી છે.

૩૮ વર્ષની મનીષાબને પોતાના પિતાજીનાં સહારે આજદિન સુધીની ચૂંટણીઓમાં મતદાન કરીને બંને પગે સશક્ત વ્યક્તિઓને અચૂક મતદાન માટેની પ્રેરણા પૂરી પાડી રહ્યાં છે. તો જીતનગર ગામમાં જ્યોત્સનાબેન સુકાભાઇ વસાવાને ૧૫ વર્ષની ઉંમેરે થયેલાં અકસ્માતને લીધે જમણા પગે વિકલાંગતા આવવાથી ઘરમાં જ પ્રોવિઝન સ્ટોરની દુકાનના સહારે સ્વમાનભેર જીવન ગુજારી રહ્યાં છે, ત્યારે ચૂંટણીનાં દિવસે દુકાનમાં ગમે તેટલી ઘરાકી હોવાં છતાં પણ સમય કાઢીને અત્યાર સુધી તેઓએ મતદાન કર્યું છે અને આગામી ચૂંટણીમાં પણ અવશ્ય મતદાન કરશે જ તેવા દ્વઢ નિર્ધાર સાથે આપણને પણ મતદાન માટે પ્રેરણા આપી જાય છે.

રાજપીપલા શીવનગર સોસાયટી માર્કેટીંગ યાર્ડનાં નિવાસી ઉદયલાલ મીઠાલાલ મારવાડી કે જેઓ જન્મથી જ જમણા પગે વિકલાંગ હોવાથી કેવડીયા ખાતે માત્ર નાસ્તાની લારી વડે જ તેમનું ગુજરાન ચલાવતા હોવા છતાં મતદાનના દિવસે તેમની લારી બંધ રાખીને મતદાનની પવિત્ર ફરજ નિભાવે છે, ત્યારે આળસને લીધે કે મતદાન માટેની મોકળાશ હોવા છતાં મતદાનથી અલિપ્ત રહેતા લોકોને ઉદયલાલ મારવાડીએ અચૂક મતદાન માટે સંકલ્પબધ્ધ થવાનો પ્રેરક સંદેશો આપ્યો છે.

નર્મદા જિલ્લાનાં આવા મૂકબધિર, પ્રજ્ઞાચક્ષુ, વિકલાંગ સહિતનાં દિવ્યાંગ મતદારોમાં ભલે શિક્ષણનું પ્રમાણ કદાચ ઓછું હશે, પણ લોકશાહીમાં તેમની શ્રધ્ધા અતૂટ છે અને મતદાન માટેની ફરજ પરસ્તી પ્રેરક છે, સ્વસ્થ અને તંદુરસ્ત વ્યક્તિની જેમ સરળતાથી તેઓ મતદાન કરી શકતા નથી પણ અગવડો-અડચણો વેઠીને પણ મતદાન કરવાની તેમની ઘગશ મતદાન મથક સુધી લઇ જાય છે અને ટેકણ લાકડી કે સહાયકની મદદથી મતદાન કરીને તેઓ લોકશાહીને જાણે કે વિકલાંગ થતી બચાવે છે. આમ, તનથી અશક્ત પણ મનથી સશક્ત લોકશાહીનાં આ સૈનિકો મતદાન કરીને વિશ્વની સૌથી મોટી લોકશાહીને મજબુત બનાવવા સંકલ્પબધ્ધ છે અને તેની સાથે જિલ્લાનાં વોટર્સ ટર્ન આઉટ રેશિયોનાં ગ્રાફની ઉંચાઇને રાજ્યભરમાં વધુ બુલંદી બક્ષવાનો પણ આવા મતદારોએ દ્રઢ નિર્ધાર કર્યો છે.

નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી આઇ.કે.પટેલે આજે ઉકત બાબતે માધ્યમો સાથેનાં સંવાદમાં જણાવ્યું હતું કે, જિલ્લામાં ૨૧૯૩ દિવ્યાંગ મતદારો છે અને આ મતદારોને વ્હલીચેર-સહાયકની મદદ વગેરે જેવી ખાસ સુવિધાઓ મળી રહે અને મતદાન માટે તેમને કોઇ મુશ્કેલી ન પડે તે માટે જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા જરૂરી સર્વે કરીને સુવિધાઓ પુરી પાડવાનું આયોજન કરાયું છે.

બ્રેઇલ લિપીનું તૈયાર કરેલું સાહિત્ય પણ આવા મતદારોને પુરું પડાશે, બેલેટ યુનીટમાં કરાયેલી વ્યવસ્થા મુજબ અંધ મતદાર બ્રેઇલ લિપીનાં આધારે મતદાન કરી શકશે. જિલ્લામાં રાજપીપલામાં વડીયા કોલોની ખાતે અને દેડીયાપાડામાં નિવાલ્દા ખાતે દિવ્યાંગ મતદાન મથકો ઉભા કરાશે, જેમાં ચૂંટણી ફરજ પરનાં તમામ અધિકારીઓ / કર્મચારીઓ તરીકે દિવ્યાંગજનોની નિયુકિત સાથે તેમના મારફત મતદાન મથકનું સંચાલન કરાશે.

Next Story