Connect Gujarat
ગુજરાત

તાપી જિલ્લામાં ડોલવણ અને ઉચ્છલ ખાતે ‘વિશ્વ આદિવાસી દિન’ની ઉજવણીનું આયોજન:

તાપી જિલ્લામાં ડોલવણ અને ઉચ્છલ ખાતે ‘વિશ્વ આદિવાસી દિન’ની ઉજવણીનું આયોજન:
X

આદિવાસી સમાજની ભવ્ય અને ઐતિહાસિક વિરાસત, પરંપરાગત વારસો અને અસ્મિતાને ટકાવવાના પ્રયાસોના ભાગરૂપે તા.૯મી ઓગસ્ટને ‘વિશ્વ આદિવાસી દિવસ’ તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે. જળ, જમીન, જંગલ અને પર્યાવરણ સાથે જોડાયેલ આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરવા સમગ્ર રાજ્યના વિવિધ આદિવાસી જિલ્લાઓમાં વિધાનસભા વિસ્તાર મુજબ વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવાનું રાજ્યસરકાર દ્વારા નક્કી કરાયું છે.

જે અન્વયે તાપી જિલ્લામાં સમાવિષ્ઠ વ્યારા વિસ્તારમાં ડોલવણ અને નિઝર વિસ્તારમાં ઉચ્છલ ખાતે વિશ્વ આદિવાસી દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીના આયોજન અંગે તાપી કલેક્ટરાલય ખાતે આજે કલેક્ટર આર.એસ.નિનામાની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં સભામંડપ, સ્ટેજ, બેઠક વ્યવસ્થા, વીજળી, પાણી, આરોગ્ય, વાહન વ્યવહાર,પાર્કિંગ, કાયદો વ્યવસ્થા સ્વચ્છતા જાળવણી તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોના સુચારૂ આયોજન સહિત વિવિધ પાસાઓની વિસ્તૃત સમીક્ષા કરી સબંધિત અધિકારીઓને કામગીરી સોંપવામાં આવી છે.

આ પ્રસંગે આદિવાસી સાંસ્કૃત્તિક કલામંડળો પરંપરાગત આદિવાસી નૃત્યો, વેશભૂષા અને વાદ્યોની સંગીતમય સૂરાવલીઓ છેડીને ઉપસ્થિત મહાનુભાવોનું ઉમળકાભેર સ્વાગત કરશે. આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા પારંપરિક વેશભૂષા નૃત્ય સહિત વિવિધ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ પણ આ વેળાએ માણવા મળશે. જ્યારે તાપી જિલ્લાના આદિવાસી સમાજના તેજસ્વી તારલાઓ, પ્રગતિશીલ ખેડૂતો, રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાએ સ્પોર્ટ્સમાં ઝળકેલા ખેલાડીઓ, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રમાં વિશિષ્ઠ પ્રદાન આપનાર અગ્રગણ્ય નાગરિકોનું હસ્તે બહુમાન કરવામાં આવશે. આ ઉપરાંત વિવિધ ઉત્કર્ષ યોજનાના લાભાર્થીઓને યોજનાકીય લાભોના ચેકો, અધિકારપત્રો તથા કીટનું વિતરણ પણ કરાશે.

Next Story
Share it