દાહોદની લીમખેડા તાલુકા પંચાયત પદાધિકારીઓએ કામગીરીથી નારાજ થઈ કચેરીને કરી તાળાબંધી

દાહોદ જીલ્લાની લીમખેડા તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા સી.ડી.ભગોરાની કામગીરીથી નારાજ થઈને આજે તાલુકા પંચાયતના પ્રમુખ સહિતના હોદ્દેદારોએ લીમખેડા તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા કર્મચારીઓને કચેરીમાંથી બહાર કાઢી તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારીની ચેમ્બર સહિત આખી કચેરીને તાળાબંધી કરી હતી. ઉપપ્રમુખ સરતનભાઈ ડામોરે મિડીયાને જણાવતા કહ્યું હતું કે, તાલુકા વિકાસ અધિકારી દ્વારા કોઈપણ પ્રકારના વિકાસના કામોમાં સરપંચો, તાલુકા પંચાયતના સભ્યો, જીલ્લા પંચાયતના સભ્ય પાસે કામગીરીના નાણાં છુટા કરાવવા માટે તગડું કમિશન માંગવામાં આવે છે અને જો કમિશન આપવામાં ન આવે તો કામગીરીના બીલો અટકાવી દેવામાં આવે છે અને ખોટી ભૂલો બતાવીને બીલોના નાણાં નહિ આપવા ધરમ ધકકા ખવડાવતા હોવાના આક્ષેપો તાલુકા વિકાસ અધિકારીની સામે કરવામાં આવ્યા હતા.
ગુજરાત અને કેન્દ્રમાં ભાજપની સરકાર અને દાહોદ જીલ્લા પંચાયતમાં પણ ભાજપનું શાસન હોવા છતા ભાજપના સત્તાવાળી લીમખેડા તાલુકા પંચાયતમાં ભાજપના જ સત્તાધારી પક્ષના હોદ્દેદારોના કામો તાલુકા વિકાસ અધિકારી કમિશન લીધા વગર ના થતા હોય તો તાલુકાની આમ જનતાનું શું થતુ હશે તો કહેવું મુશ્કેલ છે.
હાલ તો ભાજપની સત્તાવાળી લીમખેડા તાલુકા પંચાયતના પ્રમુખ સહિતના હોદ્દેદારોએ તાલુકા પંચાયતને તાળાબંધી કરીને લીમખેડાના પ્રાંત અધિકારીને લેખિત રજુઆત કરીને તાલુકા પંચાયતની ચાવી પ્રાંત અધિકારી લીમખેડાને સુપ્રત કરી હતી. ત્યારે હવે જોવાનું એ રહેશે કે તાલુકા વિકાસ અધિકારી અને સત્તાધારી પક્ષના પ્રમખ સહિતના હોદ્દેદારો સાથેના વિવાદનો શું અંત આવે છે.