Connect Gujarat

ધર્મના નામે ધંધો કરતા પાખંડીઓ થી સંત સમાજ થયો બદનામ

ધર્મના નામે ધંધો કરતા પાખંડીઓ થી  સંત સમાજ થયો બદનામ
X

છેલ્લા ઘણા સમય થી બાબા, મા અને પાખંડી સ્વામીઓ ગોરખ ધંધા થકી જેલભેગા થયા છે. અને આ સિલસિલો હજી પણ બંધ થયો નથી અને વધુ એક સાધ્વીને ગુનાહિત કૃત્ય બદલ પોલીસે દબોચી લઈને તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

ધર્મના નામે દુકાનો શરુ કરી ભોળી પ્રજાને ભોળવી ધર્મના પાઠ ભણાવીને પોતાની આર્થિક સઘ્ધરતા વધારતા પાખંડીઓના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા બાદ પણ હજી લોકો માં જાગૃતતા નો અભાવ જોવા મળી રહ્યો છે.

હાલમાં જ પાલનપુરના મુક્તેશ્વર મઠના સાધ્વી જયશ્રીગિરી સામે પાલનપુરના વેપારી દ્વારા પાંચ કરોડના સોનામાં છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાવી હતી, અને પોલીસે ગૌરી પાર્ક ના મકાન માં દરોડો પાડીને રૂપિયા 1.29 કરોડ ઉપરાંતની રોકડ અને રૂપિયા 70 લાખના 24 સોનાના બિસ્કિટ પણ કબ્જે કર્યા હતા. આ ઉપરાંત પોલીસને વિદેશી દારૂ અને બિયરનો જથ્થો પણ મળી આવ્યો હતો.

મુક્તેશ્વર મઠના મહામંડલેશ્વર સાધ્વી જયશ્રીગિરી ની ધરપકડ બાદ તેઓએ આ રૂપિયા 1,29,82000ની રોકડ તેઓની નહિ હોવાનું પોલીસને જણાવી પોતાનો બચાવ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે સાધ્વી જયશ્રીગિરી પર વિવિધ ગુનાહિત કૃત્યો અંગે કેસ ફાઈલ થયા છે.પાંડવ ગુફામાં મૌન ધારણ કરી તપ કરતા સંજયગિરી (મૌનીબાબા)ની હત્યા માં પણ સંડોવણી અંગેનો કેસ પણ પાલનપુર સેસન્સ કોર્ટમાં ચાલી રહ્યો છે.

નોંધવુ ઘટે કે વિવિધ ગતકડા કરીને નિર્દોષ લોકોને ભોળવતા પાંખડીઓની સામે સંત સમાજે જ લોકો ને જાગૃત કરવાની જરુર છે અને બની બેઠેલા ધર્મના પુજારીઓ ને ખુલ્લા પાડીને ધર્મના નામે ધંધાની દુકાનો ચાલવતા ગુરુઓના ગોરખધંધા ઉઘાડા પાડવા પડશે.

Next Story
Share it