Connect Gujarat
ગુજરાત

ધાર કાઢી આપનાર પર ધારદાર હથિયારથી હુમલો, હુમલાખોરો સીસીટીવીમાં કેદ

ધાર કાઢી આપનાર પર ધારદાર હથિયારથી હુમલો, હુમલાખોરો સીસીટીવીમાં કેદ
X

સુરતના ગોપીપુર વિસ્તારમાં ચપ્પાની ધાર કાઢવાવાળા દુકાનદાર પર ત્રણ ઇસમો હુમલો કરીને ભાગી છૂટ્યા હતા. આ ત્રણેય શખ્સો નજીકની દુકાનમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા હતા. પોલીસે સીસીટીવી ફુટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ શહેરના ગોપીપુર વિસ્તારમાં નવસારી બજારના ચલ્લાવાળમાં મનીષ બચુભાઇ કાતરની ધાર કાઢવાની દુકાન આવેલી છે.

ગુરૂવારે ત્રણ અજાણ્યા શખ્સોએ આવીને મનીષભાઇને કાતર જેવું હથિયાર બતાવી તેની ધાર કાઢી આપવા જણાવ્યું હતું. પરંતુ મનીષભાઇ આવા હથિયારોની ધાર ન કાઢતા હોવાનું કહ્યું હતું. આથી, અજાણ્યા શખ્સોએ મનીષભાઇને ધમકાવવાનું શરૂ કરી દીધું હતું. ત્યારબાદ તેઓ દુકાનમાંથી એક ધારદાર હથિયાર લઇને ભાગ્યા હતા.

મનીષભાઇ પોતાનું હથિયાર પાછું મેળવવા તેમની પાછળ ભાગ્યા હતા. ત્યારે ત્રણમાંથી એક શખ્સે મનીષભાઇના પેટના ભાગે અણીદાર હથિયાર મારી દેતા તેઓ ઇજાગ્રસ્ત થયા હતા. તેમને સારવારઅર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

બીજી તરફ હુમલો કરનાર શખ્સો બાજુની દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા હતા. જેના આધારે આઠવા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. તેમજ ભાગી છૂટેલ શખ્સોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.

Next Story