Connect Gujarat
ગુજરાત

ધોરણ -8ના વિદ્યાર્થીએ બનાવ્યુ તળાવ સાફ કરવાનું અનોખુ ડિવાઈસ

ધોરણ -8ના વિદ્યાર્થીએ બનાવ્યુ તળાવ સાફ કરવાનું અનોખુ ડિવાઈસ
X

વડોદરા - શહેરના 13 વર્ષના વિદ્યાર્થી વરુણ સાઈકિયાએ એક એવુ ડિવાઈસ બનાવ્યુ છે કે, જેનાથી તળાવ, નદી તથા સમુદ્ર જેવા જળાશયોમાંથી પ્લાસ્ટિક વેસ્ટ દૂર કરીને તેને ક્લીન કરવામાં મદદરુપ બને છે. માત્ર આઠમા ધોરણના આ વિદ્યાર્થીએ આવા અદ્ભૂત ડિવાઈસને બનાવીને સાબિત કર્યું છે કે, ઈનોવેટિવ આઈડીયા રચવા માટે ઉંમરનો કોઈ બાધ નથી હોતો.

વરુણ સાઈકિયાએ એવુ ડિવાઈસ બનાવ્યુ છે જે રિમોર્ટથી સંચાલિત છે. જો કોઈ તળાવમાં તેને છોડીને રિમોર્ટ દ્વારા ચલાવવામાં આવે તો તે પ્લાસ્ટિક વેસ્ટ ખાસ કરીને પાણીની પ્લાસ્ટિક બોટલો અને બીજો પ્લાસ્ટિક વેસ્ટ પાછળ ધકેલે છે. પાછળ ધકેલાયેલો વેસ્ટ એક વિશાળ કોથળીમાં ઠલવાય છે અને આ કોથળી ભરાઈ જાય એટલે ડિવાઈસને કિનારે લાવીને વેસ્ટ બહાર કાઢી લેવાય છે.

વરુણની મહત્વકાંક્ષા છે કે તે, અરબી સમુદ્રમાં આ ડિવાઈસ ચલાવીને તેનો પ્લાસ્ટીક વેસ્ટ સાફ કરે અને તેના માટે તેણે કામગીરી પણ શરુ કરી દીધી છે. તેનુ કહેવુ છે કે, મોટા સમુદ્રમાંથી પ્રદુષણ દૂર કરવાની તેની યોજના ખરેખર મહત્વપૂર્ણ છે.

વાઈબ્રન્ટ 2019માં વરુણ સાઈકિયાને સ્પેશિયલ જગ્યા આપવામાં આવી હતી. તેના આ પ્રોજેક્ટને જોવા માટે લોકોની ભારે ભીડ ઉમટી હતી. દેશ અને વિદેશના અનેક લોકોએ તેના પોન્ડ ક્લીનરમાં રસ દાખવ્યો હતો અને અનેક લોકોએ તેને શાબાશી આપીને બિરદાવ્યો હતો.

વરુણ સાઈકિયાએ વડોદરાના તળાવોને સાફ કરવા માટે તેના પોન્ડ ક્લિનરને ઉપયોગમાં લેવાય તેવી અરજી સાથે મ્યુનિસીપલ કમિશનર અજય ભાદુની મુલાકાત લીધી હતી. ઉપરાંત, તેણે અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિક્રાંત પાંડેની પણ મુલાકાત લીધી હતી. તેના આવા ઈનોવેટિવ આઈડિયાને વિક્રાંત પાંડેએ તાત્કાલિક અપનાવી લીધો હતો અને તેમણે પ્રાયોગિક ધોરણે વિરમગામના તળાવને સાફ કરવા માટે અપનાવ્યો હતો. વિરમગામ તળાવની સફાઈ શક્ય બને તો આગામી દિવસોમાં અમદાવાદના તમામ તળાવોમાં વરુણ સાઈકિયાનું ડિવાઈસ ઉપયોગમાં લેવાશે.

વરુણે બનાવેલા પોન્ડ ક્લિનરને પેટન્ટ કરાવવાનો આઈડિયા ગુજરાત ઈનોવેશન કાઉન્સીલે આપ્યો છે. વરુણને જીટીયુ દ્વારા ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી છે. તેના પોન્ડ ક્લીનરને પેટન્ટ કરાવવા માટે તેનુ નામ મકરા પોન્ડ ક્લીનર આપવામાં આવ્યુ છે.

Next Story