Connect Gujarat
ગુજરાત

નવરાત્રી સ્પેશિયલ : જાણો નવરાત્રીનાં ત્રીજા દિવસે મા ચંદ્રઘંટાની ઉપાસનાનું શું છે માહાત્મ્ય

નવરાત્રી સ્પેશિયલ : જાણો નવરાત્રીનાં ત્રીજા દિવસે મા ચંદ્રઘંટાની ઉપાસનાનું શું છે માહાત્મ્ય
X

આધ્યશક્તિની આરાધનાનાં પર્વનો ત્રીજો દિવસ એટલે કે ત્રીજુ નોરતુ છે. ત્યારે કનેકટ ગુજરાત નવરાત્રી પર્વને લઈ છેલ્લા ત્રણ દિવસથી નવરાત્રીને લગતી તમામ બાબતો આપના સુધી લાવી રહ્યુ છે. ત્યારે આજે ત્રીજા નોરતે ક્યા માતાજીની ઉપાસના કરવી જોઈએ. તેમનો મહિમા શું છે. તેમજ ઉપાસના કરવાથી ક્યા પ્રકારના લાભો થાય તે અંગે કનેકટ ગુજરાત સાથેની વાતચીતમાં શાસ્ત્રી અસિતભાઈ જાનીએ વિગતવાર માહિતી આપી હતી.

ત્રીજા નોરતે થાય છે દેવી ચંદ્રઘંટાની પુજા :

આસો નવરાત્રીના ત્રીજા નોરતે મા દુર્ગાના ત્રીજા શક્તિ સ્વરૂપે દેવી ચંદ્રઘંટાની આરાધના કરવામાં આવે છે. નવરાત્રીની ઉપાસનામાં ચંદ્રઘંટા દેવીનું મહત્વ ખુબ જ વધુ છે. આ દિવસે માતાજીના વિગ્રહનુ પુજન કરવામાં આવે છે. આ દિવસે સાધક પોતાનુ મન મણિપુર ચક્રમાં સ્થિર કરે છે. આ દિવસની આરાધનામાં અલૌકિક વસ્તુઓનુ દર્શન થાય છે. અલગ અલગ પ્રકારના દિવ્ય ધ્વની સંભળાય છે. આ ક્ષણે સાધક અને ભક્ત માટે અત્યંત સાવધાન રહેવાનુ હોય છે.

કેવુ હોય છે ચંદ્રઘંટા દેવીનુ સ્વરૂપ :

ચંદ્રઘંટા દેવીનું સ્વરૂપ પરમ શાંતિ દાયક અને કલ્યાણકારી છે. ભગવતીના મસ્તક પર ઘંટ સ્વરૂપ અર્ધ ચંદ્રાકાર ચંદ્રમા બિરાજમાન છે. આજ કારણે તે ચંદ્રઘંટા સ્વરૂપે ઓળખાય છે. ભગવતીના શરીરનો રંગ સ્વર્ણ સામન કાંતિ વાળુ છે. ચંદ્રઘંટા દેવીની દશ ભુજાઓ રહેલી છે. દશભુજાઓમાં ખડગ આદિ શસ્ત્ર તેમજ બાણ આદિશસ્ત્ર થી માતાજીનુ સ્વરૂપ શોભાયમાન છે. ચંદ્રઘંટા દેવી સિંહ ઉપર સવાર છે. મા ચંદ્રઘંટાની કૃપાથી તમામ મનુષ્યના સમસ્ત પાપ તેમજ બધા દુખોનો નાશ થાય છે. ભગવતીની આરાધના સદાયને માટે ફળદાયી નિવડે છે. ભગવતીની કૃપાથી દેવીના ઉપાસક સિંહની જેમ પરાક્રમિ અને નિર્ભયી બને છે. ભગવતીના ઘંટની ધ્વની સદાને માટે ભક્તોને પ્રેતબાઘા માંથી રક્ષા આપનારી છે. મા ચંદ્રઘંટાની ઉપાસના થી વિરતા, નિર્ભયતાની સાથે સૌમ્યતા અને વિનમ્રતા નો પણ વિકાસ થાય છે. ભક્તનુ મુખ, નૈત્ર તેમજ સંપુર્ણ શરીરમાં ક્રાંતિ ગુણોની પણ વૃધ્ધિ થાય છે. ભક્તનાં વાણી રૂપી ઈશ્વરમાં દિવ્ય અલૌકિક માધુર્યનો સમાવેશ થાય છે.

ક્યા શ્લોક વડે કરી શકાય મા ચંદ્રઘંટાની આરાઘના :

पिण्डजप्रवरारुढा चण्डकोपास्त्रकैर्युता।

प्रसादं तनुते मह्यां चन्द्रघण्टेति विश्रुता॥

અર્થાત મા ભગવતીનાં મસ્તક પર ઘંટ આકારનો અર્ધ ચંદ્રમાં છે. તેમનુ સ્વરૂપ સ્વર્ણ સમાન ક્રાંતિ વાળુ છે. મા ભગવતીને દશ ભુજાઓ છે દશેય ભુજામા આયુધો ધારણ કરેલ છે. જેમનુ વાહન સિંહ છે. ભગવતીના ઘંટની ભયાનક ઘ્વની થી અત્યાચારી, દાનવ, દૈત્ય બધા જ ભયભીત થાય છે. મા ભગવતીનાં નોરતાના ત્રીજા દિવસે નીચે જણાવેલ મંત્રની નવ માળા કરવી 'ॐ ऐं ह्रीं क्लीं चन्द्रघंटायै नम:। બ્રાહ્મણને બોલાવી ચંદ્રઘંટા માતાજીની મહાપુજા કરાવવી તેમજ ચંડીપાઠ કરાવવો. ત્યાર બાદ સુહાગન સ્ત્રીને આમંત્રણ આપી તેનુ પુજન કરવુ, ભોજન કરાવવુ ત્યારબાદ તેને વસ્ત્ર શણગાર કલશ ઘંટ અને યથા શક્તિ દક્ષિણા ભેટ આપવી.

નૈવેધ તરીકે શું ભોગ ધરાવવો :

ત્રીજા નોરતે ચંદ્રઘંટા દેવીના પુજનમાં ભગવતીને દુધની બનાવેલી મિઠાઈ અને ખીરનુ નૈવેધ અર્પણ કરવામાં આવે છે. આ ભોગ લગાવી જે ભક્ત સંપુર્ણ શ્રધ્ધાથી માતાજીના પ્રસાદનુ ગ્રહણ કરે છે તેના સમસ્ત દુઃખો આધિ વ્યાધી ઉપાધી તમામ બાધાઓથી મુક્તિ પામે છે.

Next Story