Connect Gujarat

પંચમહાલ : જિલ્લા કલેક્ટર અમિત અરોરાના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતીની બેઠક મળી

પંચમહાલ  : જિલ્લા કલેક્ટર અમિત અરોરાના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતીની બેઠક મળી
X

આગામી 5મી માર્ચથી સમગ્ર રાજ્યમાં એસ.એસ.સી. અને એચ.એસ.સી.ની પરીક્ષાઓનો પ્રારંભ થઈ રહ્યો છે. પંચમહાલ જિલ્લામાં આ પરીક્ષાઓના સુચારૂ આયોજન અંગે જિલ્લા કલેક્ટર અમિત અરોરાની અધ્યક્ષતામાં જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતીની બેઠક યોજાઈ હતી.

કલેક્ટરે જિલ્લાના પરીક્ષા કેન્દ્રો પર સી.સી.ટી.વી.ની સુવિધા, પ્રશ્નપત્રો માટે સ્ટ્રોંગરૂમ, પોલિસ બંદોબસ્ત, સ્થળ સંચાલકો અને લાયઝન અધિકારીઓની નિમણૂંક, ફ્લાઈંગ સ્કવોડ, તાલુકા-જિલ્લા કન્ટ્રોલરૂમ સહિતની બાબતો અંગે વિગતવાર માહિતી મેળવી ચર્ચા કરી હતી. પરીક્ષાના સમય દરમિયાન વીજપુરવઠો ન ખોરવાય તે સુનિશ્ચિત કરવા એમ.જી.વી.સી.એલના અધિકારીઓને તેમજ પરીક્ષાર્થીઓને બસની યોગ્ય સુવિધાઓ મળી રહે તે માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. તેમણે અતિસંવેદનશીલ કેન્દ્રોને આઈડેન્ટિફાઈ કરી તેની યાદી પોલિસને આપવા તેમજ મોબાઈલ નેટવર્ક નબળું હોય તેવા કેન્દ્રો પર વિશેષ ધ્યાન આપવા સૂચના આપી હતી. વિદ્યાર્થીઓની કારર્કિદી માટે અંત્યત અગત્યની એવી આ પરીક્ષાઓ સુવ્યવસ્થિત રીતે શાંતિપૂર્ણ માહોલમાં લેવાય તે સુનિશ્ચિત કરવામાં લાયઝન અધિકારીઓની ભૂમિકાને મહત્વપૂર્ણ ગણાવતા કલેક્ટરે કોઈ વિદ્યાર્થીને અન્યાય ન થાય તેનું પણ ધ્યાન રાખવા જણાવ્યું હતું. જિલ્લા શિક્ષણાધિકારીએ લાયઝન અધિકારીઓને પરીક્ષા દરમિયાન ધ્યાનમાં રાખવાની થતી બાબતો અને સમગ્ર પ્રક્રિયા વિશે વિગતવાર માહિતી આપી હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એ.જે.શાહ, જિલ્લા પોલિસ વડા ડો.લીના પાટિલ તેમજ નિવાસી અધિક કલેક્ટર એમ.એલ.નલવાયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લામાં ધો-૧૦ ના ૩૦,૯૨૬ અને ધો-12ના ૧૫,૨૭૩ વિદ્યાર્થીઓ

પંચમહાલ જિલ્લામાં માર્ચ-૨૦૨૦ની પરીક્ષામાં એસ.એસ.સીમાં કુલ ૩૦,૯૨૬ અને એચ.એસ.સી સામાન્ય પ્રવાહમાં ૧૫,૨૭૩ જ્યારે વિજ્ઞાન પ્રવાહના ૨૨૬૪ વિદ્યાર્થીઓ મળી કુલ-૪૮,૪૬૩ વિદ્યાર્થીઓ ૫૩ પરીક્ષા કેન્દ્રોના ૧૪૫ બિલ્ડીંગમાં પરીક્ષા આપશે.કુલ બ્લોકની સંખ્યા ૧૬૫૨ છે. ગેરરીતીઓમુક્ત શાંતિપૂર્ણ પરીક્ષા માટેની કવાયત

આ પરીક્ષાઓ દરમિયાન ગેરરીતિની શક્યતાઓ ટાળવા માટે તમામ પરીક્ષા સ્થળો-બ્લોકો પર સી.સી.ટી.વી કેમેરાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ૧૬૫૨ પૈકી ૧૬૧૫ બ્લોકમાં સીસીટીવી દ્વારા સમગ્ર પરીક્ષા પર નજર રાખવામાં આવશે. જ્યારે બાકી ૩૭ બ્લોકમાં ટેબ્લેટ મારફતે પરીક્ષા પ્રક્રિયા સુચારૂરૂપે ચાલે તે સુનિશ્ચિત કરવામાં આવશે. પરીક્ષાઓના સંચાલન અને મોનિટરિંગ માટે જિલ્લાના અંદાજે ૬૪ જેટલા ક્લાસ- ૧ અને ક્લાસ- ૨ અધિકારીઓ લાયઝન અધિકારીઓ તરીકે ફરજ બજાવશે. જિલ્લાની ૪ ફ્લાંઈગ સ્કવોડ ઉપરાંત ગાંધીનગરની ૪ ફલાંઈગ સ્કવોડ આ પરીક્ષાઓ પર ચાંપતી નજર રાખશે. આ ઉપરાંત, પરીક્ષાકેન્દ્ર વિસ્તારોને તા.૫મી માર્ચથી તા.૨૧ માર્ચ સુધી કલમ-૧૪૪ હેઠળ પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવામાં આવ્યા છે.

સમગ્ર રાજ્યમાં તા. ૦૫/૦૩/૨૦૨૦ના રોજથી એક સાથે શરૂ

થઈ રહેલી આ પરીક્ષાઓમાં ધો-૧૦ (એસ.એસ.સી.) પરીક્ષાનો સમય ૧૦-૦૦ કલાકથી ૧૩-૧૫

કલાકનો તથા ધો-૧૨ (એચ.એસ.સી) પરીક્ષા ૧૦-૩૦ કલાકથી ૧૩-૪૫

કલાક અને ૧૫-૦૦ થી ૧૮-૧૫ કલાક દરમ્યાન બે સેશનમાં બોર્ડે નક્કી કરેલ કાર્યક્રમ

મુજબનો રહેશે.

Next Story
Share it