Connect Gujarat
ગુજરાત

પક્ષીતીર્થ વઢવાણા સરોવરની જળસંગ્રહ ક્ષમતા વધી : સદી જુના જળાશયનો જળભંડાર હવે વધશે

પક્ષીતીર્થ વઢવાણા સરોવરની જળસંગ્રહ ક્ષમતા વધી : સદી જુના જળાશયનો જળભંડાર હવે વધશે
X

તાલુકાના વઢવાણા ગામે આવેલું સદી ઉપરાંતનું આયખું ધરાવતુ વિશાળ વઢવાણા જળાશય પ્રજાવત્સલ સયાજીરાવ મહારાજની વડોદરા જિલ્લાને પાણીદાર ભેટ છે. જળસંચય અભિયાન: ૨૦૧૯ હેઠળ પક્ષીતીર્થ તરીકે ખ્યાતનામ આ જળ પ્લાવિત ક્ષેત્ર (વેટલેન્ડ) ના મુખ્યત્વે જળસંગ્રહ ક્ષેત્રમાં, વર્ષોથી જામેલા કાંપની ખોદાઇ કરીને તેની જળસંગ્રહ ક્ષમતામાં વધારો કરવામાં આવતાં, હવે તેનો જળભંડાર વધશે.

સુજલામ સુફલામ જળસંચય અભિયાન : ૨૦૧૯ હેઠળ આ તળાવમાંથી ૪૫૫૧૦ ઘનમીટર માટી અને કાંપનું ખોદકામ કરીને તેની જળભંડારણ ક્ષમતામાં ૧૬.૦૭ એમસીએફટીનો વધારો શક્ય બન્યો છે. તાજેતરના વરસાદ પછી આ ઉંડા કરાયેલા વિસ્તારમાં પાણીનો આવરો ચાલુ થયો છે. રાજ્ય સરકારના સિંચાઇ વિભાગે ખાતાકીય કામ તરીકે જળસંગ્રહ ક્ષમતા વધારતું આ કામ હાથ ધર્યું હતુ.

ઉલ્લેખનીય છે કે આ તળાવનો મુખ્ય જળસ્ત્રોત જોજવા આડબંધ છે જેને સંલગ્ન કેનાલ વ્યવસ્થા દ્વારા વઢવાણાને પાણીથી ભરવામાં આવે છે. આ ઉપરાંત નર્મદા નીરથી પણ તેને ભરવામાં આવે છે. ગત વર્ષમાં ઓછા વરસાદને પગલે પાણીની તંગી રહેવા પામી હતી અને આકરા ઉનાળાના પગલે મે મહિનામાં આ તળાવ લગભગ સૂકાઇ ગયું હતુ. આ વર્ષે અત્યાર સુધીમાં ઓરસંગમાં બે વાર ઘોડાપૂર આવતા અને પ્રારંભિક સારા વરસાદને પગલે જળાશય ફરીથી પાણીથી ભરાયું છે અને ઉંડાઇ વધારવામાં આવી છે એ ક્ષેત્રમાં પાણી ભરાવાનું ચાલુ થયું છે. ઉંડાઇ વધારવા માટે ખોદવામાં આવેલી કાંપયુક્ત ફળદ્રુપ માટી જરૂરતવાળા ખેડૂતોએ ખેતરોમાં પાથરી છે અને વધારાની માટીનો ઉપયોગ તળાવના પાળાના મજબૂતીકરણ માટે કરવામાં આવ્યો છે.

વઢવાણા જળાશય કાદવીયો વિસ્તાર ધરાવે છે જેના લીધે શિયાળામાં દેશવિદેશના હજારો પક્ષીઓ આ વડોદરા જિલ્લાના નળ સરોવરમાં વિસામો કરે છે. આ ઉપરાંત વઢવાણા સિંચાઇ યોજનાના કેનાલ નેટવર્ક દ્વારા વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના (સંખેડા તાલુકો) ૬૭૫૦ હેકટર જેટલા કમાન્ડ (સિંચિત) એરીયાને સિંચાઇ માટે પાણી આપવામાં આવે છે. વઢવાણાના પાણીના આધારે મુખ્યત્વે ડાંગરનો પાક લેવાય છે અને આ વિસ્તાર વડોદરા જિલ્લામાં ચોખાનો ભંડાર ગણાય છે. વર્ષ ૨૦૧૮-૧૯માં આ જળાશયમાંથી ડભોઇ તાલુકાની ૫૭૦૦ હેકટર અને સંખેડા તાલુકાની ૫૭૫ હેકટર જમીનને મુખ્યત્વે રવી અને ખરીફ મોસમમાં સિંચાઇની સુવિધા આપવામાં આવી હતી.

વઢવાણા તળાવ પાસે જ ડાંગરનું ખેતર ધરાવતા વઢવાણાના પંચાયત સદસ્ય નારણભાઇ પાટણવાડીયાએ તળાવ ઉંડું કરવાના કામને આનંદની વાત ગણાવી હતી. તેમણે જણાવ્યું કે, જળભંડાર વધવાથી ખેતી માટે છેક ઉનાળા સુધી પાણી મળતા ખેડૂતોને ફાયદો થશે. તેમણે ખેડૂતો ખેતી માટે પ્રમાણસર પાણી વાપરે અને સિંચાઇમાં વધુ પડતું પાણી લઈને વેડફે નહીં એવી ખાસ ભલામણ કરી હતી.

વઢવાણા એક માટલું છે જેના પાણીથી જમીનની તરસ છીપાવતા સારી ખેતી થાય છે અને એની કાદવીયા જમીન વિશ્વસ્તરની પક્ષી સૃષ્ટિનું પાલન પોષણ કરીને પર્યાવરણને પુષ્ટ બનાવે છે. સુજલામ સુફલામ જળસંચય અભિયાનથી વરસાદી પાણીના સંગ્રહની તેની વધેલી ક્ષમતા અનેકવિધ રીતે લાભદાયક બનશે

Next Story
Share it