પશ્ચિમી સંસ્કૃતિના વાયરામાં પણ ભક્તિરસમાં લોકોને તરબોળ કરતા ખ્યાતનામ ગાયિકા અનુરાધા પૌડવાલ

હિન્દી ફિલ્મો થી ગાયિકીની શરૂઆત કરનાર અનુરાધા પૌડવાલે માત્ર ફિલ્મો પૂરતુ જ નહિ પરંતુ ભજન ક્ષેત્રે પણ પોતાના સુમધુર કંઠ થી આજે દેશ વિદેશમાં પ્રસિદ્ધ બન્યા છે.
અમિતાભ બચ્ચન અને જયા ભાદુરીની ફિલ્મ અભિમાન થી ફિલ્મી ક્ષેત્રે મધુર ગીતોની સુરાવલી રેલાવનાર અનુરાધા પૌડવાલે 5 વખત બેસ્ટ ફિમેલ પ્લેબેક સિંગર, અને 2 નેશનલ ફિલ્મફેર એવોર્ડ પણ પોતાના નામે અંક્તિ કર્યા છે.
અનુરાધા પૌડવાલનો જન્મ 27મી ઓક્ટોબર 1957 માં થયો હતો,બાળપણ મુંબઈમાં જ વીત્યું હોવાથી તેઓને પહેલાથી જ બોલીવુડ પ્રત્યે લગાવ રહ્યો હતો.ધક ધક કરને લગા (બેટા), તુ મેરા હીરો હૈ (હીરો), હમ તેરે બિન (સડક), મૈયા યશોદા (હમ સાથ સાથ હૈ), જીસ દિન તેરી મેરી બાત(મુસ્કાન), ચાહા હૈ તુજકો (મન), એક મુલાકાત જરૂરી હૈ સનમ(સિર્ફ તુમ), દો લફજો મેં (ઢાઈ અક્ષર પ્રેમ કે )સહિત વિવિધ ફિલ્મો માં અનુરાધાજી ના કંઠે ગવાયેલા મધુર ગીતો આજે પણ તેમના ચાહકો માં લોકપ્રિય છે.
અંદાજિત 5296 ગીતને અનુરાધાજીએ પોતનો સ્વર આપીને વિશ્વભરમાં ખ્યાતિ મેળવી છે. માત્ર હિન્દીજ નહિ પરંતુ અનુરાધ પૌડવાલે કન્નડ, મારવાડી, મરાઠી, સંસ્કૃત, બંગાળી, ગુજરાતી, તામિલ, તેલુગુ, ઓરિયા, આસામી, પંજાબી, ભોજપુરી, નેપાલી સહિતની ભાષામાં પણ ગાયકી ક્ષેત્રે પોતાની આગવી ઓળખ બનાવી છે.
પોતાની અંગત જિંદગીમાં સર્જાયેલા સંઘર્ષમાં પણ તેઓએ ક્યારે પણ હાર ન માનીને ફિલ્મી ગીત બાદ ભજનની મધુર સુરાવલી પ્રસરાવીને ભક્તિ ગીત ના લયમાં લોકોને તરબોળ કર્યા હતા, અને એક સમયે માત્ર ટી સિરીઝ માટે જ ગાવાનું જાહેર કરતા તેઓના ચાહકોમાં ધ્રાસ્કો પડયો હતો. પરંતુ પશ્ચિમી પવનના વાયરામાં પણ ભક્તિ સંગીત થી અનુરાધાજી એ આજે પણ લોકોને ભક્તિના તાંતણે બાંધીને રાખ્યા છે.
ભરૂચ જિલ્લામાં સૌ પ્રથમ વખત અંકલેશ્વર જીઆઈડીસીના ગોકુલ પાર્ટી પ્લોટ ખાતે તારીખ 7મી જાન્યુઆરી 2017 શનિવારના રોજ રાત્રે અનુરાધા પૌડવાલનો સંગીત સંધ્યાનો લાઈવ કોન્સર્ટ યોજાનાર છે ત્યારે તેઓના ચાહકો આ સંગીત રૂપી પ્રવાહમાં તરબોળ બની તૃપ્ત થવાની આતુરતા થી રાહ જોઈ રહ્યા છે.