પશ્ચિમ બંગાળના દક્ષિણ ૨૪ પરગણા જિલ્લામાં એક ચર્ચના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન તોડફોડની ઘટના બની છે, જેમાં બિશપ, પાદરીઓ અને શ્રદ્ધાળુઓ પર હુમલો કરવામાં આવ્યો છે.
બંગાળના દક્ષિણ ૨૪ પરગણા જિલ્લામાં ચર્ચના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન ધર્મગુરુઓ અને ઉપસ્થિત શ્રદ્ધાળુઓ પર તોડફોડ અને હુમલાના અહેવાલો સામે આવ્યા છે. બાસંતી પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળ આવતા નારાયણતલામાં બનેલી આ ઘટનામાં, બિશપ સુબ્રત ચક્રવર્તી તેમજ અનેક પાદરીઓ અને શ્રદ્ધાળુઓ પર હુમલો કરવામાં આવ્યો હોવાનો આરોપ છે. આ ઘટનામાં કેટલાક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ફરિયાદ મળ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, શનિવારે યોજાયેલા ઉદ્ઘાટન સમારોહમાં બિશપ સુબ્રત ચક્રવર્તી, કેટલાક પાદરીઓ અને શ્રદ્ધાળુઓ હાજર હતા. આ દરમિયાન, ૩૦-૩૫ લોકોનું એક જૂથ ચર્ચના પરિસરમાં ઘૂસી આવ્યું અને ત્યાં હાજર લોકો પર હુમલો કર્યો. ફરિયાદમાં એવો પણ આરોપ મુકવામાં આવ્યો છે કે, મહિલાઓ પર હુમલો કરવામાં આવ્યો અને તેમને તેમની પરંપરાગત ‘શંખા-પોલા’ (સફેદ અને લાલ રંગની ધાર્મિક બંગડીઓ) ઉતારી નાખવા માટે મજબૂર કરવામાં આવી. ત્યારબાદ તેમને પરિસરમાંથી બહાર નીકળી જવા માટે ફરજ પાડવામાં આવી હતી. હુમલાખોરોએ ચર્ચમાં સ્થાપિત ક્રોસને પણ નુકસાન પહોંચાડ્યું હતું. જે લોકોએ આ ઘટનાને રેકોર્ડ કરવાનો પ્રયાસ કર્યો, તેમના મોબાઈલ ફોન તોડી નાખવામાં આવ્યા. ચર્ચ સાથે સંકળાયેલા લોકોનો આરોપ છે કે હુમલાખોરોએ ધમકી આપી હતી કે તેઓ ભવિષ્યમાં આ પરિસરમાં કોઈપણ પ્રકારની ધાર્મિક પ્રવૃત્તિઓ થવા દેશે નહીં. ‘બંગિયા ખ્રિસ્તીય પરિષદ’ (BCP) એ આ ઘટનાની નિંદા કરી છે. સંસ્થાના સ્થાપક રાજ્ય સચિવ અને કાર્યકારી અધ્યક્ષ હેરોડ મલિકે જણાવ્યું હતું કે, બિશપની હાજરીમાં યોજાયેલા ઉદ્ઘાટન સમારોહ દરમિયાન અનેક પાદરીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે, સંગઠિત જૂથો શાંતિપ્રિય લઘુમતી સમુદાયને નિશાન બનાવી રહ્યા છે અને વહીવટી કાર્યવાહીનો પૂરતો ડર ન હોવાને કારણે આવી ઘટનાઓ બની રહી છે.
