Connect Gujarat
ગુજરાત

પાંચ વર્ષથી વિખુટા પડેલ‍ા પુત્રનું તેના પરિવાર સાથે મિલન કરાવતી નબીપુર પોલીસ

પાંચ વર્ષથી વિખુટા પડેલ‍ા પુત્રનું તેના પરિવાર સાથે મિલન કરાવતી નબીપુર પોલીસ
X

મહારાષ્ટ્ર ખાતે રહેતો એક યુવક કે જે ગુમ થઈ ગયો હતો તે યુવકને તેના માતા પિતા સાથે સુખરૂપ મિલન કરાવી પોલીસ પ્રજાનો સાચા અર્થમાં મિત્ર છે તે ઉક્તિને પોલીસે સાચા અર્થમાં સાર્થક કરી બતાવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર નબીપુર પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર એ બેલીમ તથા સ્ટાફના માણસોએ ગત તારીખ ૩૧ મી માર્ચના રોજ નબીપુર પોલીસ મથકની હદમાં આવેલી રિલીફ હોટલ પર કામ કરતા વેઇટરો તથા શ્રમજીવીઓના બી રોલ ભરી તેઓના વતનના પોલીસ મથકમાં મોકલી આપ્યા હતા. જેના આધારે શેલુ પોલીસ મથક તા. વર્ધા મહારાષ્ટ્રએ રિલીફ હોટલમાં કામ કરતો રૂપેશ દિગંબરરાવ દેશભટા રહે. કેલજર સરકારી ગેસ્ટહાઉસ સામે શેલુ તા.જિ. વર્ધા (મહારાષ્ટ્ર) ના ઘરે રૂપેશની તપાસ કરતા રૂપેશની માતાએ પોતાનો પુત્ર છેલ્લા પાંચ વર્ષથી કોઇને પણ કહ્યા વગર ઘરેથી જતો રહ્યો હોવાનું જણાવ્યું હતું .

જેથી શેલુ પોલીસે ગુજરાત રાજ્યના ભરૂચ તાલુકાના નબીપુર પોલીસ મથકની હદમાં આવેલી રિલીફ હોટલમાં રૂપેશ કામ કરતો હોવાનું તેની માતાને જણાવતાં રૂપેશના માતા - પિતા તથા બહેને ભરૂચના નબીપુર પોલીસ મથકે પહોંચી જરૂરી ઓળખ પુરાવા આપી પાંચ વર્ષથી વિખુટા પડેલા પુત્રનો કબજો મેળવ્યો હતો. પોતાના વ્હાલસોયા પુત્રનું સુખરૂપ મિલન કરાવનાર નબીપુર પોલીસનો આભાર વ્યક્ત કરી પોતાના પુત્રને લઈને પરિવારના સદસ્યો વતન તરફ રવાના થયા હતા. પાંચ વર્ષથી ગુમ થયેલા પુત્રનું મિલન થયું ત્યારે રૂપેશના પરિવારની આંખોમાંથી હર્ષની અશ્રુધારા વહી નીકળી હતી. રૂપેશનું સુખરૂપ મિલન કરાવનાર નબીપુર પોલીસના આ સરાહનીય કાર્યની ચોમેરથી પ્રશંસા થઇ રહી છે.

Next Story