Connect Gujarat
ગુજરાત

પાણી હોવા છતાંય અડધા ગુજરાતમાં પાણીની મોકાણ મંડાઈ..!

પાણી હોવા છતાંય અડધા ગુજરાતમાં પાણીની મોકાણ મંડાઈ..!
X

પાણીના આયોજન સંદર્ભે ભાજપની સરકાર આ નવી નીતિ વિષયક નિર્ણય લઈ શકી નથી

ગુજરાત સરકારનું સંચાલન કરી રહેલી ચૂંટાયેલી પાંખ સરકારી કામ અર્થાત નાગરીકોના મુળભૂત પ્રશ્નોને બદલે રાજકિય વૃતિમાં જ રચીપચી રહે છે. સત્તા ટકાવવા, ચૂંટણી જીતવા પેરાશુટ લાવો- વધાવોની રાજનીતિમાં ચાર વર્ષથી પ્રવૃત ભાજપ સરકારે નવી જળનીતિ- ૨૦૧૫ના મુસદ્દાને લટકાતા સાંપ્રત સમયમાં સરદાર સરોવર ડેમમાં ૧૧૯ મીટરે પાણી હોવા છતાંય અડધા ગુજરાતમાં પાણીની મોકાણ મંડાઈ છે.

આગામી વર્ષ ૨૦૨૫માં ગુજરાતમાં પાણીની ભયંકર તંગી જોઈ રહેલા ભારત સરકારના નીતિ નિર્ધારકોએ ગુજરાત સરકારને નવી જળનીતિ તૈયાર કરી અમલમાં મુકવા સુચના આપી હતી. ફેબ્રુઆરી- ૨૦૧૫થી ગુજરાત સરકારના નર્મદા, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગે ૨૬ પાનાનો ડ્રાફ્ટ તૈયાર કરીને વેબસાઈટ પર મુક્યો છે પરંતુ, હજુ સુધી પાણીના આયોજન સંદર્ભે ભાજપની સરકાર આ નવી નીતિ વિષયક નિર્ણય લઈ શકી નથી.

ચાર વર્ષમાં ભાજપની જ સરકારમાં પાંચથી વધુ પાણી પુરવઠા મંત્રીઓ બદલાયા છતાંય એક પણ મંત્રીએ આ નીતિ સંદર્ભે નિર્ણયાત્મક સ્થિતિએ પહોંચવા પ્રયાસો કર્યા નથી ! જો વેળાસર નીતિ તૈયાર થઈ હોત, તેના આધારે બજેટ અને યોજનાઆને આકાર અપાયો હોત તો ગુજરાતમાં પૂર્વ પટ્ટીનો આદિવાસી વિસ્તાર, બનાસકાંઠા- પાટણનો સરહદી વિસ્તાર અને કચ્છ, સૌરાષ્ટ્રને ઓછા વરસાદની સ્થિતિમાં પણ શુધ્ધ પીવાનું પાણી અને દૈનિક માથાદિઠ જરૂરીયાત મુજબ ૧૪૦લિટર પાણી પહોંચાડી શકાયુ હોત એમ સરકારના જ સિનિયર ઓફિસરો ગણગણી રહ્યા છે.

પૂર્વ પટ્ટીમાં જ્યાં સૌથી વધુ ડેમ આવેલા છે તે આદિવાસીક્ષેત્રોમાં જ પીવાનું શુદ્ધ પાણી મળતુ નથી. સમાન અને સ્થિર વિકાસ માટે કુદરતે આપેલી સાધન સંપત્તિનુ વ્યવસ્થાપન જાહેર ટ્રસ્ટના સિધ્ધાંતે થવુ જોઈએ એ ન્યાયે નવી જળનીતિની ગુજરાતને તાતી આવશ્યકતા હોવાનું તેના ડ્રાફ્ટમાં કહેવાયુ છે.

Next Story