Connect Gujarat
ગુજરાત

પોરઃ ઓવરબ્રિજ પાસે રખડતી ગાયોથી વાહનચાલકો પરેશાન

પોરઃ ઓવરબ્રિજ પાસે રખડતી ગાયોથી વાહનચાલકો પરેશાન
X

GIDCમાં કામ કરતા કામદારો આવતા-જતાં માર્ગ પર ગાયોના અડિંગાથી તોબા પોકારી ઉઠ્યા

વડોદરા જિલ્લાના પોર ગામની પોલીસ ચોકી નજીક કાયાવરોહણ જવાના માર્ગ ઉપર ઓવર બ્રિજ પાસે રસ્તે રખડતી ગાયોથી વાહનચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. માર્ગ પર રખડતી ગાયોના કારણે અહીંથી પસાર થતા અનેક વાહન ચાલાકો માટે ગાયોનો ત્રાસ દિનપ્રતિદિન માથાના દુઃખાવા સમાન બની રહ્યો છે. રસ્તે રખડતી ગાયોના ત્રાસના કારણે વાહન ચાલકોમાં તંત્ર સામે ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.

પોર ગામ પાસેના કાયાવરોહણ તરફ જવાના ચાર રસ્તા ઉપર દિવસ દરમિયાન રાત દિવસ સતત વાહનોની અવર જવર રહેતી હોય છે. પોર વિસ્તાર સૌથી વધુ ટ્રાફિકવાળો વિસ્તાર હોઇ રખડતી ગાયોના કારણે કોઇ દિવસ મોટો અકસ્માત સર્જાવાની ભીતિ પણ વાહનચાલકો સેવી રહ્યા છે. પોર ખાતે આવેલ યાત્રાધામ બળિયાદેવ મંદિરમાં દર્શન માટે આવતા જતા ભક્તો પણ આજ ચાર રસ્તા પાસેથી પસાર થાય છે. દિવસ દરમિયાન ટ્રાફિક પણ વધારે રહેતો હોય છે.

બીજી તરફ પોર GIDC માં કામ કરતા કામદારો કામ પરથી પરત આવતી વેળા માર્ગ પર રખડતી ગાયોના કારણે હાલાકી ભોગવી રહ્યા છે. સાચવીને પસાર થવું પડે છે. રસ્તા ઉપર રખડતી ગાયો પોર બ્રિજ તથા પોર ગામના મેઈન રોડ પર અડિંગો જમાવી દેતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળે છે. લોકચર્ચા મુજબ ભૂતકાળમાં રસ્તે રખડતા પશુઓને કારણે કેટલાક વાહનચાલકો અકસ્માતનો ભોગ બન્યા છે. તો તંત્ર પોર ગામના ઓવરબ્રિજ નજીક રખડતી ગાયોના ત્રાસમાંથી લોકોને મુક્તિ અપાવે એવી લોકમાંગ ઉઠવા પામી છે.

Next Story
Share it