પ્રેમીકાને ગુલાબ આપવાને બદલે ગરીબ બાળકોને નવા નક્કોર ચપ્પલ આપીને ઉજવ્યો વેલેન્ટાઈન્સ ડે

118

વડોદરા – 14મી ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઈન્સ ડે….પ્રેમ, લાગણી અને સંવેદનાની અભિવ્યક્તિનો પર્વ…પણ પ્રેમ માત્ર યુવક કે, યુવતી વચ્ચે જ હોઈ શકે તેવુ માનવાનુ કોઈ કારણ નથી, પ્રેમ તો વ્યક્તિની અંદર છૂપાયેલો એક ભાવ છે…..પ્રેમ તો કુદરતની અનમોલ દેન છે… કોઈને પ્રેમીકા સાથે તો કોઈને માતા સાથે, કોઈને પત્ની કે, પછી સંતાનો માટે….શરત એટલી જ હોય છે કે, જેની સાથે પ્રેમ હોય તેને ગુલાબ, ચોકલેટ કે પછી કોઈ ગિફ્ટ આપીને વેલેન્ટાઈન્સ ડેની ઉજવણી કરવી…

પરંતુ, વેલેન્ટાઈન્સ ડેને હાંસિયામાં બાંધવા કરતા ચાલો મુક્તમને, ઉલ્લાસભેર તેની ઉજવણી કરનારા લોકો વિષે વાત કરીએ. ચાલો આણંદ જઈએ જ્યાં કોલેજમાં ભણતા યુવા-યુવતીઓ એકબીજાને ગુલાબ આપીને વેલેન્ટાઈન્સ ડેની ઉજવણી કરવા કરતાં કંઈક અનોખુ કરીને તેનો આનંદ માણે છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે, આણંદનું આ યુવાધન પાશ્ચાત્ય સંસ્કૃતિના તહેવારને ગરીબોને સહાયના સ્વરુપે ઉજવીને સમાજ માટે આદર્શ ઉદાહરણ પુરુ પાડે છે. આ યુવાનો છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમી-પ્રેમીકાને ગુલાબ કે, ચોકલેટ આપવાને બદલે ફુલ જેવા ગરીબ બાળકોને નવા નક્કોર ચંપલ આપીને વેલેન્ટાઈન્સ ડેની ઉજવણી કરે છે.

તદ્દન જૂદી જ માટીના બનેલા આણંદના સેંકડો યુવા-યુવતીઓએ જાતે એક ટ્રસ્ટ બનાવ્યુ છે. સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટના નામે ઓળખાતી આ અનોખી સંસ્થામાં જોડાયેલા કોલેજીયનો પોતાની પોકેટ મનીમાંથી પૈસા બચાવીને ગરીબોને મદદરુપ બને છે.

સંવેદના ટ્રસ્ટના પ્રમુખ વિરાજ ઠાકર કહે છે કે, જ્યારે આખુ વિશ્વ વેલેન્ટાઈન્સ ડેની ઉજવણી કરતુ હોય ત્યારે અમારી સંસ્થા પાછળ રહેવાની નથી પણ અમારી ઉજવણીની અમારી રિતભાત કંઈ અલગ છે અમે ગરીબ બાળકોને ચંપલ પહેરાવીને વેલેન્ટાઈન્સ ડે ઉજવવાના છે. નવા ચંપલ મળ્યાની ખુશી જ્યારે એ બાળકના ચહેરા ઉપર છલકાય તે જોઈને જ અમને એવુ થાય છે કે, ખરેખર આને જ કહેવાય વેલેન્ટાઈન્સ ડે….!!

LEAVE A REPLY