સુરત – શહેરના મહિધરપુરા વિસ્તારના વિષ્ણુ કાકાએ બગડેલા મોબાઈલ ફોન, લેપટોપ અને ટીવી રિમોર્ટ સહિતના ઈલેક્ટ્રીક વેસ્ટ અને અન્ય ઓટોમોબાઈલ સાધનોના ઉપયોગથી એક અનોખી ઈલેક્ટ્રીક બાઈક બનાવીને કુતુહલ સર્જ્યુ છે.  માત્ર પાંચ ચોપડી પાસ વિષ્ણુ કાકા કહે છે કે, તેમણે બનાવેલી બાઈક બીજા કોઈને કામે આવે કે ના આવે પણ દિવ્યાંગોને જરુરથી કામે આવશે. આ અનોખી બાઈક કામની તો છે પણ ઈલેક્ટ્રિક બાઈક હોવાને લીધે ઈકો ફ્રેન્ડલી પણ છે.

વિષ્ણુ કાકાને કાને બહેરાશ છે તેઓ સાંભળી શકતા નથી પરંતુ, દિવ્યાંગોની જરુરિયાત સારી રીતે સમજી શકે છે. એટલે જ તેમણે લો હાઈટની અનોખી ઈલેક્ટ્રિક બાઈક બનાવી છે જેને દિવ્યાંગો ચલાવી શકશે. વિષ્ણુ કાકાએ બનાવેલી બાઈકમાં એક્ટિવા અને કાઈનેટિકના પાર્ટ્સ નાંખ્યા છે અને તેને ઈલેક્ટ્રિક બનાવવા માટે વેસ્ટ થઈ ગયેલા ઈલેક્ટ્રોનિક પાર્ટસનો ઉપયોગ કર્યો છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે, વિષ્ણુ કાકાએ બાઈકમાં બગડી ગયેલા રિમોર્ટ, લેપટોપ અને મોબાઈલના પાર્ટ્સ નાંખ્યા છે. જે ઉપકરણોને લોકોએ વેસ્ટ સમજીને ફેંકી દીધેલા તેનો પુનઃ ઉપયોગ કરીને વિષ્ણુ કાકાએ નવી સિસ્ટમ ડેવલોપ કરી છે.

વિષ્ણુ કાકાની બાઈક માત્ર 60 દિવસમાં તૈયાર થઈ છે. તેમનુ કહેવુ છે કે, જો બાઈકની બેટરી ત્રણેક કલાક સુધી ચાર્જ કરવામાં આવે તો બાઈક 40 કિલોમીટર સુધી ચાલી શકે તેમ છે.

આશ્ચર્યની વાત એ છે કે, આ બાઈકનું વજન માત્ર 60 કિલોગ્રામ છે પરંતુ, આ બાઈક એટલી મજબૂત છે કે, તેની ઉપર 100 કિલોગ્રામ વજનનો વ્યક્તિ પણ આસાનીથી મુસાફરી કરી શકે છે.

વિષ્ણુ કાકાનું કહેવુ છે કે, તેમને દિવ્યાંગો માટે કંઈક કરવાની ઈચ્છા હતી. આખરે, બાઈકના માધ્યમથી તેમણે દિવ્યાંગોની અવરજવર માટેની સુગમતા ઉભી કરી છે. વેસ્ટમાંથી બેસ્ટ બાઈક તૈયાર કરવાનો આઈડિયા તેમણે યુ-ટ્યુબ પરથી મેળવ્યો હતો અને અથાગ પરીશ્રમને પગલે તેમણે બાઈક બનાવવામાં સફળતા મેળવી હતી.

LEAVE A REPLY