Connect Gujarat
ગુજરાત

ભરૂચ:કસક વિસ્તારમાં પહેલા વરસાદમાં જ રસ્તા ધોવાયા,ખાડાના પગલે સર્જાયો ટ્રાફિક જામ

ભરૂચ:કસક વિસ્તારમાં પહેલા વરસાદમાં જ રસ્તા ધોવાયા,ખાડાના પગલે સર્જાયો ટ્રાફિક જામ
X

ભરૂચના કસક વિસ્તારમાં વરસાદ બાદ રસ્તાઓ ધોવાઈ જતાં વાહનચાલકો અટવાયા હતા. ત્યારે સ્થળ નિરીક્ષણ કરવા માટે આવેલ નગરપાલિકના ચીફ ઓફિસર સહિતના અધિકારીઓને લોકોએ બાનમાં લીધા હતા.

ભરૂચ શહેરમાં લોકોથી ધમધમતો વિસ્તાર એટલે કસકનો સર્કલ વિસ્તાર.ભરૂચ શહેરના મુખ્યમાર્ગ ગણાતા આ માર્ગ ઉપર શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, ઓફિસ-કંપનીના કર્મચારીઓ તેમજ ઘણા ધાર્મિક સ્થળ આવેલા હોવાથી લોકોની અવરજવર ખૂબ જ વધારે રહે છે. છેલ્લા ઘણા સમયથી નગરપાલિકા દ્વારા ભરૂચ શહેરના વિવિધ માર્ગો ઉપર ગટર લાઇનની પાઇપલાઇન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે કસક વિસ્તારને પણ આવરી લેવામાં આવ્યો હતો. પરંતુ છેલ્લા કેટલાંક મહિનાથી શીતલ ચોકડીથી કસક સર્કલ સુધી ખોદકામ કર્યા બાદ તેના ઉપર યોગ્ય પેચ વર્ક પણ કરવામાં આવ્યું ન હતું.

ભરૂચ શહેરમાં વહેલી સવારે વરસેલ ધોધમાર વરસાદને કારણે કસક વિસ્તારમાં ખોદકામ કરેલ તમામ રસ્તાઓ સંપૂર્ણપણે ધોવાઈ ગયા હતા. આ રસ્તાઓ ધોવાના કારણે અહીથી પસાર થતાં અસંખ્ય વાહનચાલકોના વાહન ફસાઈ જતાં તેઓ હેરાન પરેશાન થઈ ગયા હતા. જેને લઈ વાહનચાલકો સહિત રાહદારીઓમાં ટ્રાફિક જામ થતાં પાલિકા પ્રત્યે રોષ જોવા મળ્યો હતો. કોઈપણ પ્રકારના આયોજન અને તૈયારી વિના નગરપાલિકા દ્વારા આડેધડ રસ્તાઓના ખોદકામને કારણે કસક વિસ્તારમાં કાદવ કીચડ સહિત પાણી ભરવાના દ્રષ્યો સર્જાવા પામ્યા હતા.

ભરૂચના કસક વિસ્તારમાં વરસાદ બાદ રસ્તાઓ ધોવાઇ જતાં ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર સંજય સોની સહિતના અધિકારીઓ સ્થળ ઉપર નિરક્ષણ કરવા પહોંચી ગયા હતા. પરંતુ સ્થળ ઉપર સમીક્ષા કરતી વેળા રાહદારીઓએ નગરપાલિકાના અધિકારીઓને આડે હાથ લીધા હતા. નગરપાલિકાની નબળી કામગીરી અંગે લોકોએ સ્થળ ઉપર જ અધિકારીઓની ઝાટકણી કરી હતી. હવે પાલિકા તંત્ર દ્વારા વહેલી તકે ભરૂચ શહેર સહિત કસક વિસ્તારના ખોદકામ કરાયેલ રસ્તાઓનું સારી ગુણવત્તાભર્યું અને યોગ્ય પેચ વર્ક કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.

Next Story