Top
Connect Gujarat

ભરૂચનાં ઓસારા મહાકાળી મંદિરે માતાજીનાં દર્શન કરીને ભક્તોને થાય છે ધન્યતાનો અહેસાસ

ભરૂચનાં ઓસારા મહાકાળી મંદિરે માતાજીનાં દર્શન કરીને ભક્તોને થાય છે ધન્યતાનો અહેસાસ
X

ભરૂચનું ઓસારા મહાકાળી માતાનું મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. આમ તો સામાન્ય દિવસોમાં મંદિર માત્ર મંગળવારે જ ખુલે છે, પરંતુ આસો નવરાત્રીનાં નવ દિવસ માઈ ભક્તોનું દર્શન અર્થે ઘોડાપુર ઉમટે છે.

ભરૂચ શહેરથી અંદાજીત 16 કિલોમીટરનાં અંતરે આવેલું ઓસારા ગામનું વિશ્વ શાંતિ મહાકાળી મંદિર ભક્તો માટે આસ્થા સ્થાનક છે, અહીંયા શ્રદ્ધાળુઓ દૂર દૂર થી પદયાત્રા કરીને પણ આવે છે.

જાણવા મળ્યા મુજબ આ મંદિરની સ્થાપના 1976 માં માનબાપુ એ કરી હતી હાલમાં તેઓના વંશજો દ્વારા મંદિરમાં પૂજા અર્ચના તેમજ સેવા કરવામાં આવે છે. કહેવાય છે કે દર મંગળવારે પાવાગઢ થી મહાકાળી માતાજી ઓસારા પધારે છે તેવી લોક માન્યતા છે. તેથી આ દિવસે માતાજીના દર્શન અર્થે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડે છે.

મંદિરમાં સેવા પુજા કરતા રમીલાબેને જણાવ્યુ હતુ કે જે ભક્તો મહાકાળી માતામાં શ્રદ્ધા રાખીને દર્શન અર્થે આવે છે તેમની મનોકામના માતાજી પૂર્ણ કરે છે, અને દુખીયાઓનાં દુઃખ માતાજીના દર્શન માત્રથી દૂર થતા હોવાની શ્રદ્ધા ભક્તોમાં જોવા મળે છે. આ ઉપરાંત મંગળવારનું વ્રત કરીને પણ શ્રદ્ધાળુઓ માતાજીની ભક્તિમાં લિન બને છે.

માત્ર ભરૂચ જ નહિ પરંતુ સમગ્ર રાજ્યભર માંથી ભક્તો ઓસારા તીર્થભૂમિ પર બિરાજમાન મહાકાળી માતાનાં દર્શન અર્થે આવીને માતાની ભક્તિમાં તરબોળ બને છે.

સવારના 6.30 કલાકે માતાજીની બાવની થી ઓસારા મંદિરમાં પૂજાવિધિનો પ્રારંભ થાય છે. અને ભક્તો પણ બાવની અને આરતીનો લ્હાવો લેવા માટે સમય પહેલા જ મંદિર ખાતે પહોંચીને માતાજીની ભક્તિમાં લિન બને છે.

Story by : Nirav Panchal

Video By : Gaurang Dutt

Reporter : Vishal Pareek

Next Story
Share it