ભરૂચ : કોરોના વાયરસને રોકવા લોકડાઉન, પરંતુ લોકો ઘરોના બદલે જોવા મળે છે બજારોમાં…

0
121

લોકડાઉનનો ભરૂચવાસીઓ સહયોગ કરી રહ્યા છે, પરંતુ હજી પણ જાગૃતિના અભાવે લોકો બજારોમાં ખરીદી માટે ધસારો કરી રહ્યા છે. સવારના સમયે શરૂ થયેલું સોશિયલ ડીસ્ટન્સ સાંજના સમયે સોશિયલ ગેધરીંગ બની જતાં કોરોના વાયરસના સંક્રમણનો ભય ઓછો થવાને બદલે વધી રહ્યો છે.

દેશભરમાં લોકડાઉનની સ્થિતિ છે, ત્યારે ભરૂચ શહેરની વાત કરવામાં આવે તો સવારથી રસ્તાઓ સુમસાન જોવા મળે છે અને લોકો પોતાના ઘરોમાં રહે છે. પરંતુ હજી લોકોએ સોશિયલ ડીસ્ટન્સ વિશે વધુ જાણકારી મેળવવી પડશે. કોરોના વાયરસથી થતું સંક્રમણ રોકવા માટે લોકો એકબીજાથી અંતર જાળવી રાખે અને ભીડ ન કરે તેનો અર્થ સોશિયલ ડીસ્ટન્સ થાય છે. પરંતુ શહેરમાં ભરાતા શાકભાજી બજારોમાં લોકો ખરીદી માટે ધસારો કરી રહ્યા છે. ભીડ એકત્ર થતી હોવાથી કોરોના વાયરસનો ફેલાવાનો ખતરો વધી રહયો છે. કતોપોર બજાર, ધોળીકૂઈ બજાર, શક્તિનાથ બજાર, તુલસીધામ શાક માર્કેટ, દાંડિયા બજાર સહિતના શાકમાર્કેટો સદંતર બંધ છે, પણ છુટીછવાયી ઉભી રહેતી લારીઓ પર લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ લોકો દવા લેવાના બહાને શહેરમાં ફરતા હોવાની વિગતો સપાટી પર આવી છે. પોલીસ તો તેનું કામ કરી રહી છે, પરંતુ લોકોએ પણ જાગૃત બનવાની જરૂર છે. પોલીસકર્મીઓને છેતરી શકીશું પણ કુદરતને નહી તે વાતનો સર્વએ સ્વીકાર કરવો પડશે.

ભરૂચ શહેરમાં સાંજ પડતાની સાથે રસ્તાઓ પર લોકો અને વાહનોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. કલમ-144નો કડક અમલ થાય તે માટે પોલીસ અધિકારીઓ અને જવાનો ખડેપગે ફરજ બજાવી રહયાં છે. પોતાના વતનમાં પગપાળા જતાં શ્રમજીવીઓને સેવાભાવીઓ ભોજન સહિત લોકોને એમ્બ્યુલન્સની મફતમાં સેવા આપી રહ્યા છે. કેટલાય દુકાનદારોએ તેમની દુકાનની બહાર કુંડાળા બનાવ્યાં છે, જેથી લોકો એકબીજા વચ્ચે અંતર જાળવી શકે. સરકાર કે વહીવટીતંત્ર ગમે તેટલા પગલાં ભરે પણ જયાં સુધી આપણે શિસ્ત કે સંયમ નહિ રાખીએ અને લોકડાઉનનું પાલન નહિ કરીએ ત્યાં સુધી કોરોના વાયરસનો ખતરો જરાયે ઓછો થવાનો નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here